News of Tuesday, 12th May 2026
ગિફ્ટસિટીમાં રોકાણના નામે કરોડોની છેતરપિંડીનો ગરમાયો: અરજદારો હવે ન્યાયની આશા સાથે પોલીસના દ્વારે પહોંચ્યા
કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી ઉત્પલ પટેલ સામે તપાસ તેજ કરવાની માંગ સાથે રોષે ભરાયેલા લોકોની ઉચ્ચ સ્તરે રજૂઆત:છેતરપિંડીનો ભોગ બનેલા લોકો હવે આરપારની લડાઈના મૂડમાં

ગાંધીનગરના હૃદય સમાન ગિફ્ટસિટીમાં રોકાણના નામે થયેલી કરોડોની છેતરપિંડીનો મામલો હવે ગરમાયો છે. લાખો રૂપિયા ગુમાવનારા અરજદારો હવે ન્યાયની આશા સાથે પોલીસના દ્વારે પહોંચ્યા છે. આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી ઉત્પલ પટેલ સામે તપાસ તેજ કરવાની માંગ સાથે રોષે ભરાયેલા લોકોએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે. છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ હવે આરપારની લડાઈ લડવાનું નક્કી કર્યું છે.
ગિફ્ટસિટીમાં રોકાણના બહાને લોકોના મહેનતની કમાણી હડપ કરી જનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે અરજદારો મોટી સંખ્યામાં ગુના નિવારણ શાખા ખાતે પહોંચ્યા હતા. અરજદારોનું કહેવું છે કે, આ મામલે પ્રાથમિક ફરિયાદો બાદ પણ તપાસની ગતિ ધીમી છે. પોતાની રજૂઆતમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો તેમને સ્થાનિક સ્તરે ન્યાય નહીં મળે, તો તેઓ રાજ્ય પોલીસ વડાને પણ રૂબરૂ મળીને રજૂઆત કરશે.
આ સમગ્ર મામલે સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, કૌભાંડનો મુખ્ય આરોપી ઉત્પલ પટેલ હજુ પણ સક્રિય છે. આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીએ વધુ એક નવી વેબસાઈટ શરૂ કરી છે અને તેના માધ્યમથી ફરીથી લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું છે. પોલીસ તપાસ ચાલુ હોવા છતાં આરોપી બેખોફ બનીને નવું નેટવર્ક ચલાવી રહ્યો હોવાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે.
અરજદારોએ પોલીસ તંત્રને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે આરોપી ઉત્પલ પટેલની મિલકતો અને તેના નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ કરવામાં આવે. તપાસમાં વિલંબ થવાને કારણે આરોપીને પુરાવા સાથે છેડછાડ કરવાની અને વધુ લોકોને છેતરવાની તક મળી રહી છે. પીડિતોએ માંગ કરી છે કે આરોપીને વહેલી તકે ઝડપી પાડીને તેમના ડૂબેલા નાણાં પરત અપાવવામાં આવે.
ન્યાય માટે લડત આપી રહેલા લોકોએ જણાવ્યું છે કે, તેઓ આ કૌભાંડની ગંભીરતાને જોતા રાજ્ય પોલીસ વડાને ફરિયાદ કરવાની તમામ તૈયારીઓ કરી ચૂક્યા છે. ગિફ્ટસિટી જેવા પ્રતિષ્ઠિત પ્રોજેક્ટના નામે રોકાણકારોને છેતરતી ટોળકીનો પર્દાફાશ કરવો જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય નિર્દોષ વ્યક્તિ રોકાણના નામે લૂંટાય નહીં. પોલીસ હવે આ મામલે શું એક્શન લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
