<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

અપૂરતા સ્ટાફ અને સારવારમાં બેદરકારીના મુદ્દે જામનગર સહિત રાજ્યની ચાર મેડિકલ કોલેજને મેડિકલ કાઉન્સિલે નોટિસ ફટકારી

એમપી શાહ મેડિકલ કોલેજના ડીન ડો.નંદિનીદેસાઈએ જણાવ્યું કે, સ્ટાફની જરૂરિયાતોને પહોંચી વળવા માટે રાજ્ય સરકારના સહયોગથી દર મહિને 11 મહિનાના કરાર આધારિત જુનિયર આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી પ્રક્રિયા સતત ચાલુ છે

નેશનલ મેડિકલ કાઉન્સિલે અપૂરતા સ્ટાફ અને સારવારમાં બેદરકારીના મુદ્દે જામનગર સહિત રાજ્યની ચાર મેડિકલ કોલેજને નોટિસ ફટકારી છે. જોકે, જામનગરની મેડિકલ કોલેજને ૨૫૦ UG સીટોની સત્તાવાર મંજૂરી મળી ગઈ છે અને પ્રવેશ પ્રક્રિયા નિયમ મુજબ શરૂ કરાઈ છે. કોલેજના ડીને તમામ સીટો માટે પૂરતો સ્ટાફ હોવાનો દાવો કર્યો છે અને વધુ સ્ટાફની જરૂરિયાત પૂરી કરવા માટે કરાર આધારિત ભરતી તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી પ્રક્રિયા સતત ચાલુ હોવાનું જણાવ્યું છે.

મળતી માહિતી મુજબ,  તાજેતરમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા જામનગર સહિત 4 મેડિકલ કોલેજોને અપૂરતો સ્ટાફ અને દર્દીઓની સારવારમાં બેદરકારી જેવા મુદ્દાઓને લઈને નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસ બાદ તબીબી શિક્ષણ જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે, હવે આ મામલે એમપી શાહ મેડિકલ કોલેજના ડીન ડો.નંદિની દેસાઈએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ગત 28 જૂન 2026ના રોજ NMC દ્વારા મંજૂરી પત્ર જાહેર કરવામાં આવ્યો છે. ડીન ડો.નંદિની દેસાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, કોલેજ પાસે હાલમાં સ્ટાફની કોઈ અછત નથી અને તમામ 250 સીટો પર નિયમ મુજબ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એમપી શાહ મેડિકલ કોલેજના ડીન ડો.નંદિનીદેસાઈએ વધુમાં જણાવ્યું કે, સ્ટાફની જરૂરિયાતોને પહોંચી વળવા માટે રાજ્ય સરકારના સહયોગથી દર મહિને 11 મહિનાના કરાર આધારિત (કોન્ટ્રાક્ટ બેઝ) જુનિયર આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અવિરત રીતે ચલાવવામાં આવી રહી છે જેથી શિક્ષણકાર્યમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન આવે... વધુમાં, લાંબા ગાળાના ઉકેલ માટે કાયમી સ્ટાફની ભરતી અને પ્રમોશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. GPSC દ્વારા લેવામાં આવતી કાયમી ભરતીઓ અને ડિપાર્ટમેન્ટલ પ્રમોશનની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ગુજરાત સરકાર અને મેડિકલ ટીચર્સ એસોસિએશન સાથે મળીને સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. NMCની મંજૂરી મળવાથી હવે વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય પર છવાયેલા વાદળો દૂર થયા છે. કોલેજ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલા આ પ્રયાસોથી આગામી સમયમાં સ્ટાફની અછત જેવી સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થશે અને શિક્ષણની ગુણવત્તામાં પણ વધારો થશે, તેવી ખાતરી ડીન દ્વારા આપવામાં આવી છે.

(11:02 PM IST)