<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

છત્તીસગઢમાં નક્સલી વિસ્ફોટમાં શહીદ થયેલા ચાર જવાનોને પૂ. મોરારિબાપુએ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી : રાષ્ટ્રના રક્ષકોના બલિદાનને નમન

ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા સંવેદનાની સરવાણી વહાવી શહીદ જવાનોના વારસદારોને કુલ ૧ લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરવાની જાહેરાત

 ઈશ્વરિયા:  છત્તીસગઢના કાંકેર નારણપુરા સીમા વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ વિસ્ફોટમાં સુરક્ષા ફરજ બજાવતા ચાર જવાનો શહીદ થયા છે. માતૃભૂમિની રક્ષા કાજે વીરગતિ પામેલા આ જવાનોના બલિદાનને પૂ. મોરારિબાપુએ વંદન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

તાજેતરમાં બનેલી આ કરૂણ ઘટનામાં, કાંકેર અને નારણપુરાની સરહદ પર ફરજ દરમિયાન નક્સલી હુમલાનો ભોગ બનેલા જવાનોના નિધનથી સમગ્ર દેશમાં શોકની લાગણી વ્યાપી છે. પૂ. મોરારિબાપુએ આ જવાનોની વીરતાને બિરદાવી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.

શહીદ જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા પૂ. મોરારિબાપુએ ચિત્રકુટધામ તલગાજરડા તરફથી આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે. જે મુજબ, વીરગતિ પામેલા પ્રત્યેક જવાનના વારસદારને ૨૫ હજાર રૂપિયા લેખે કુલ ૧ લાખ રૂપિયાની રકમ સંવેદનારૂપે અર્પણ કરવામાં આવશે. પૂ. મોરારિબાપુની આ પહેલથી શહીદ પરિવારોને આ મુશ્કેલ સમયમાં આશ્વાસન અને ટેકો પૂરો પાડવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(9:46 AM IST)