<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

રામગઢ ગામે થયેલી મારામારીના કેસમાં ચાર આરોપીઓને 3 વર્ષની સજા ફટકારતી કોર્ટ

અદાલતના આ હુકમથી મારામારી અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો

 ( ભરત શાહ દ્વારા )નર્મદા :રામગઢ ગામે વર્ષ 2024માં થયેલા મારામારીના બનાવમાં રાજપીપળાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વી.ડી. પટેલની અદાલતે ચારેય આરોપીઓને 3-3 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.

રાજપીપળા પોલીસ સ્ટેશનમાં રાજેશભાઈ મંગળભાઈ વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ ખેતરમાં ખૂંપડા કાઢતા હતા.ફરિયાદી તેમને કહેવા જતા આરોપી શનાભાઈ બિજલભાઈ વસાવાએ ગાળો આપી કોદાળી વડે ફરિયાદીના જમણા પગે ઘૂંટણથી નીચેના ભાગે મારતા ફ્રેક્ચર થયું હતું. વચ્ચે છોડાવવા પડેલા સુરસિંગભાઈ વસાવાને પણ કોદાળીથી પગમાં ઈજા કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગોપાલ બિજલ વસાવા, વિનોદ શના વસાવા અને પ્રકાશ શના વસાવા સામે પણ ગાળો આપી મારામારી કરી ઈજા પહોંચાડવાના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઈ હતી.
તપાસ બાદ તપાસ અધિકારી સુરેન્દ્રભાઈ શાંતિલાલે ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી, સાક્ષીઓ, તબીબો ડૉ. રાજકુમાર ભગત અને ડૉ. નૈષધ પરમાર તેમજ તપાસ અધિકારીની જુબાની સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી પક્ષ તરફથી વિદ્વાન એ.પી.પી. રાવ દ્વારા દલીલો તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા.
આ દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી રાજપીપળાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વી.ડી. પટેલે ચારેય આરોપીઓને 3-3 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.
અદાલતના આ હુકમથી મારામારી અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે

(10:39 PM IST)