News of Saturday, 3rd October 2026
વિવાદિત નિવેદન બાદ માફી માગવાના સવાલ પર અડગ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કહ્યું- 'ડંકાની ચોટ પર બોલ્યો છું'
મેલું ઉપાડવા અંગેના નિવેદનથી બ્રહ્મ અને પાટીદાર સમાજમાં ભારે રોષ છતાં પોતાની વાત પર મક્કમ રહી ભાજપ પર પ્રહાર કર્યા.

અમદાવાદ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામમાં આદિવાસી ખેડૂતોના સંમેલનમાં મેલું ઉપાડવા સંદર્ભે આપેલા નિવેદનને પગલે રાજ્યભરમાં રાજકીય અને સામાજિક ગરમાવો આવી ગયો છે. બ્રહ્મ સમાજ, પાટીદાર સમાજ અને ભાજપ દ્વારા આ નિવેદનને ઉગ્રતાથી વખોડીને તેમની પાસે માફીની માંગ કરવામાં આવી છે, જેના જવાબમાં પૂર્વ મુખ્યમંત્રીએ માફી માગવાનો સ્પષ્ટ ઇનકાર કરીને પોતાની વાત પર અડગ હોવાનું જણાવ્યું છે.
આ સમગ્ર વિવાદ અંગે પ્રતિક્રિયા આપતાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગાંધી જયંતિના દિવસે સાગબારામાં સરકારની નીતિઓથી પીડિત આદિવાસી અને દલિત સમાજના અધિકારોની વાત કરવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપના કેટલાક લોકો વાતનું વતેસર કરીને મુદ્દાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ જે કઈ બોલ્યા છે તે ડંકાની ચોટ પર બોલ્યા છે અને કોઈ સમાજના વિરોધી નથી.
પોતાના નિવેદનનો બચાવ કરતાં શંકરસિંહ વાઘેલાએ યાદ અપાવ્યું હતું કે તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન જ પરશુરામ જયંતિ પર સત્તાવાર રજા જાહેર કરવામાં આવી હતી, તેથી બ્રહ્મ સમાજના વિરોધી હોવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તેમણે ઉમેર્યું હતું કે ભૂતકાળમાં દલિત સમાજ સાથે થતા અસમાનતાના વ્યવહારો અને તેમની સ્થિતિ સુધારવા માટે જ અનામતની જોગવાઈ અત્યંત આવશ્યક હતી.
બીજી તરફ, આ નિવેદનથી રોષે ભરાયેલા બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓએ પૂર્વ મુખ્યમંત્રીને ૩ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો નિયત સમયસીમામાં શંકરસિંહ વાઘેલા માફી નહીં માંગે તો ગાંધીનગરના વસંત વગડો સ્થિત તેમના નિકેતન આવાસ ખાતે ઉગ્ર વિરોધ દર્શન અને ઘેરાવ કરવાની ખુલ્લી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અનામત અને વિવિધ જ્ઞાતિગત સમાજોની લાગણીઓ સાથે જોડાયેલા નિવેદનો અગાઉ પણ રાજકીય વિવાદનું કારણ બનતા રહ્યા છે. આ ઘટનામાં પણ દલિત અને આદિવાસી હકોની વાત અને જ્ઞાતિગત સંવેદનશીલતા સામસામે આવી જતાં માહોલ તંગ બન્યો છે.
હાલમાં બ્રહ્મ સમાજ અને પાટીદાર સમાજ પોતાના વલણ પર કાયમ છે જ્યારે શંકરસિંહ વાઘેલા પણ ઝૂકવા તૈયાર નથી. આગામી ૩ દિવસ દરમિયાન બ્રહ્મ સમાજ દ્વારા આપેલા અલ્ટીમેટમ બાદ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન થાય છે કે કેમ અને સ્થિતિ શું વળાંક લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
