તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Monday, 4th May 2026
ગુજરાતના શહેરી વિસ્તારોમાં ‘જન આરોગ્ય સમિતિ’ની રચના : રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રોગી કલ્યાણ સમિતિને રી-સ્ટ્રક્ચર કરી નવા માળખાની કરી જાહેરાત
શહેરી આયુષ્માન આરોગ્ય મંદિરોમાં લોકભાગીદારી વધશે : સમિતિમાં 50 ટકા મહિલા પ્રતિનિધિત્વ ફરજિયાત : વિકાસ કામો માટે વાર્ષિક 1.75 લાખ સુધીના અનટાઈડ ફંડની જોગવાઈ

ગાંધીનગર: ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત અને પારદર્શક પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જાહેરાત કરી છે કે હવે શહેરી વિસ્તારોમાં ‘જન આરોગ્ય સમિતિ’નું ગઠન કરવામાં આવશે. આ નવી વ્યવસ્થા હેઠળ આયુષ્માન ભારત શહેરી આરોગ્ય કેન્દ્રો હવે ‘શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર’ તરીકે ઓળખાશે અને તેમાં રોગી કલ્યાણ સમિતિનું સ્થાન હવે નવું રી-સ્ટ્રક્ચર થયેલું માળખું લેશે.
આરોગ્ય કેન્દ્રો હવે સારવારની સાથે કાળજીના કેન્દ્રો બનશે
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આ કેન્દ્રો માત્ર બીમારીની સારવાર પૂરતા સીમિત નહીં રહે, પરંતુ નિવારક (Preventive), ઉપચારાત્મક (Curative) અને પુનઃસ્થાપન (Rehabilitative) જેવી સેવાઓ પૂરી પાડશે. રાજ્યમાં વર્ષ 2021થી 20,000 થી 25,000ની વસ્તી દીઠ એક શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર કાર્યરત છે. અગાઉ ગ્રામ્ય સ્તરે સફળતાપૂર્વક અમલી બનેલી જન આરોગ્ય સમિતિની તર્જ પર હવે શહેરોમાં પણ આ માળખું અમલી બનાવી લોકભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે.
જન આરોગ્ય સમિતિનું નવું માળખું અને સત્તા
નવા માળખા મુજબ, જે-તે વિસ્તારના સ્થાનિક વોર્ડ સભ્ય સમિતિના અધ્યક્ષ રહેશે, જ્યારે ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર સભ્ય સચિવ તરીકે ફરજ બજાવશે. સમિતિને આર્થિક સ્વાયત્તતા આપવા માટે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (UPHC) સ્તરે વાર્ષિક 1,75,000 રૂપિયા અને શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર (UAAM) સ્તરે 1,00,000 રૂપિયાના અનટાઈડ ફંડની જોગવાઈ કરવામાં આવી છે. આ રકમનો ઉપયોગ સ્થાનિક આરોગ્ય સુવિધાઓના સુધારા માટે કરી શકાશે.
સામાજિક સમાવેશ અને મહિલાઓની ભાગીદારી
આ સમિતિમાં મહિલાઓના પ્રશ્નો અને માતૃ-બાળ કલ્યાણને અગ્રતા આપવા માટે 50 ટકા મહિલા પ્રતિનિધિત્વ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમિતિમાં SC/ST, લઘુમતી સમુદાયો, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ, રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન અને શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓનો સમાવેશ થશે. વિશેષ બાબત એ છે કે, ક્ષય (TB) ચેમ્પિયન્સ, કેન્સર સર્વાઈવર, દિવ્યાંગો અને ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોને પણ ખાસ આમંત્રિત તરીકે સ્થાન આપી સામાજિક જવાબદારીનો વ્યાપ વધારવામાં આવશે.
સમિતિની બેઠક દર મહિને યોજાશે અને બિન-સરકારી સભ્યોનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. આ નવા અભિગમથી સ્થાનિક સ્તરે આરોગ્યલક્ષી પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવશે અને સેવાની ગુણવત્તામાં વધારો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
