તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
અમદાવાદની સોલા જીએમઇઆરએસ હોસ્પિટલમાં કાયમી તબીબી મંડળની રચનાથી આ જિલ્લાઓના શિક્ષકો અને એસટી કર્મચારીઓની બદલી પ્રક્રિયા બનશે અત્યંત સરળ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની મંજૂરી બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલનું ભારણ ઘટશે અને તબીબી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાનું થશે વિકેન્દ્રીકરણ

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા વહીવટી વ્યવસ્થાઓને વધુ સરળ અને જનહિતકારી બનાવવાના ભાગરૂપે અમદાવાદની સોલા જીએમઇઆરએસ હોસ્પિટલમાં ત્રણ સભ્યો ધરાવતા નવા કાયમી તબીબી મંડળની રચના કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની મંજૂરી મળ્યા બાદ આ મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે જેનાથી રાજ્યના વિવિધ જિલ્લાઓના કર્મચારીઓને ખૂબ જ મોટી રાહત મળશે. આ નવી વ્યવસ્થા અમલમાં આવવાથી શિક્ષણ વિભાગના વર્ગ-ત્રણના કર્મચારીઓ તેમજ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એટલે કે જીસીઆરટીસીના વર્ગ-ત્રણ અને વર્ગ-ચારના કર્મચારીઓને તબીબી કારણોસર બદલી કે વર્ગ બદલી માટે જરૂરી પ્રમાણપત્ર હવે ખૂબ જ સરળતાથી સોલા જીએમઇઆરએસ હોસ્પિટલમાંથી જ મળી રહેશે.
આ નવી પહેલ અંતર્ગત શિક્ષણ વિભાગના પ્રાથમિક, માધ્યમિક અને સહાયક શિક્ષકો તેમજ વિદ્યા સહાયકોને ગંભીર અને અસાધ્ય બીમારીના કિસ્સાઓમાં આંતરિક કે આંતરિક જિલ્લા બદલી માટે જે તબીબી પ્રમાણપત્રની આવશ્યકતા રહે છે, તેના માટે હવે લાંબી પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે. નવી વ્યવસ્થા અનુસાર અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર એમ કુલ આઠ જિલ્લાના આવા તમામ કર્મચારીઓની તબીબી તપાસ હવે સીધી સોલા જીએમઇઆરએસના કાયમી મેડિકલ બોર્ડ દ્વારા જ કરવામાં આવશે. જોકે આ આઠ જિલ્લાઓ ઉપરાંતના અન્ય વિસ્તારોના કર્મચારીઓ માટે તેમના નજીકના કાયમી તબીબી મંડળના માધ્યમથી પ્રમાણપત્ર મેળવવાની અગાઉની વ્યવસ્થા યથાવત જ રહેશે.
આ ઉપરાંત જીસીઆરટીસીના વર્ગ બદલીને લગતા બાબતોમાં પણ આ નવી સુવિધાનો વિશેષ લાભ જોવા મળશે. આ અંતર્ગત અમદાવાદ, મહેસાણા, હિંમતનગર અને પાલનપુર વિભાગના વર્ગ-ત્રણ અને વર્ગ-ચારના કર્મચારીઓ પણ આ સુવિધાનો લાભ મેળવી શકશે. તેમના તબીબી પરીક્ષણ બાદ કાયમી રીતે ફિટ કે અનફિટ હોવાનું અધિકૃત પ્રમાણપત્ર સોલા જીએમઇઆરએસના આ નવા મેડિકલ બોર્ડ દ્વારા આપવામાં આવશે. અન્ય વિભાગોના કર્મચારીઓ માટે સંબંધિત જિલ્લા તબીબી બોર્ડની અગાઉની વ્યવસ્થા યથાવત રીતે ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રશાસનિક સેવા એટલે કે નોકરીની સામાન્ય શરતોના નિયમો 2002 હેઠળ અમદાવાદ ઉપરાંત જામનગર, વડોદરા અને સુરતમાં તબીબી મંડળો કાર્યરત છે. અત્યાર સુધી ઉપરોક્ત શિક્ષણ વિભાગના આઠ જિલ્લાઓ તથા જીસીઆરટીસીના ચાર વિભાગોના કર્મચારીઓની તબીબી પ્રમાણપત્રને લગતી મોટી સંખ્યામાં કામગીરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના કાયમી તબીબી મંડળ સાથે જોડાયેલી હતી. આ સ્થિતિના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ બોર્ડ પર કામનું ભારણ સતત વધી રહ્યું હતું.
સોલા જીએમઇઆરએસ હોસ્પિટલમાં સ્થપાવનાર આ નવા મંડળમાં કુલ ત્રણ સભ્યો રહેશે. આ મંડળના અધ્યક્ષ તરીકે સિવિલ સર્જન અથવા મેડિસિનના વરિષ્ઠ પ્રોફેસરની નિમણૂક કરવામાં આવશે. અધ્યક્ષ અને અન્ય સભ્યોની અધિકારીક નિમણૂક સંબંધિત મેડિકલ કોલેજ સાથે જોડાયેલી હોસ્પિટલના તબીબી અધિક્ષક દ્વારા કરવામાં આવશે. આ નિર્ણયથી તબીબી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાનું અસરકારક વિકેન્દ્રીકરણ થશે. એક તરફ કર્મચારીઓને તેમના નિર્ધારિત ક્ષેત્રની નજીક જ મેડિકલ બોર્ડની સુવિધા મળશે, તો બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કાયમી તબીબી મંડળ પરનું કામનું ભારણ પણ ઘટી જશે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
