તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગનો તવાઈ: 4 દિવસમાં 78 હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ, અખાદ્ય ખોરાકનો નાશ કરાયો
લાપરવાહી દાખવનારા સંચાલકો સામે કડક કાર્યવાહી: ₹1.34 લાખથી વધુનો દંડ વસૂલાયો, ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવાયા

સુરત: સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવવા માટે મોટા પાયે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે છેલ્લા ચાર દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 78 જેટલી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં અચાનક દરોડા પાડીને સઘન તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક અને વાસી એવા અખાદ્ય ખાદ્યપદાર્થોનો જથ્થો મળી આવતા તંત્ર દ્વારા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરીને રૂ. 1,34,900નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
ગંભીર બેદરકારી સામે નોટિસ અને સેમ્પલિંગ
ચેકિંગ દરમિયાન કિચનમાં અસ્વચ્છતા, વાસી ખોરાકનો સંગ્રહ અને ખાદ્ય સુરક્ષા ધોરણોના ભંગ બદલ અનેક હોટલ-રેસ્ટોરન્ટ ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા શંકાસ્પદ ખાદ્યસામગ્રીના સેમ્પલ લઈને તેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો લેબ રિપોર્ટમાં કોઈ ક્ષતિ જણાશે તો સંબંધિત સંચાલકો સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે.
તંત્રની આ કડક ઝુંબેશને પગલે શહેરના હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ ખાણી-પીણીના સ્થળો પર આ પ્રકારનું સરપ્રાઈઝ ચેકિંગ સતત ચાલુ રહેશે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
