તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
વડોદરામાં ફૂડ સેફટી વિભાગ એક્શન મોડમાં :ખંડેરાવ માર્કેટમાં અચાનક દરોડા :8 દુકાનો સીલ કરી દીધી :આકરો દંડ વસૂલાયો
અંદાજે 25 જેટલી ફળ અને શાકભાજીની દુકાનો તેમજ મોટા ગોડાઉનોમાં બારીકાઈથી તપાસ

વડોદરા શહેરમાં ઉનાળાની ઋતુ દરમિયાન રોગચાળો ફેલાતો અટકાવવા અને નાગરિકોના આરોગ્યની સુખાકારી જાળવી રાખવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એક્શન મોડમાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરના સીધા આદેશ અન્વયે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમોએ સંયુક્ત રીતે શહેરના જાણીતા અને વ્યસ્ત એવા ખંડેરાવ માર્કેટ વિસ્તારની પાછળ આવેલા ફળ તેમજ શાકભાજીના ગોડાઉનો અને દુકાનો પર અચાનક દરોડા પાડીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ફૂડ સેફ્ટી ઓફિસરોની આ આકસ્મિક કાર્યવાહીથી સમગ્ર બજારમાં વેપારીઓ વચ્ચે ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ હતી.
આ દરોડા દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા અંદાજે 25 જેટલી ફળ અને શાકભાજીની દુકાનો તેમજ મોટા ગોડાઉનોમાં બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા અને આરોગ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે કડક પગલાં ભરવામાં આવ્યા હતા, જેમાં કોર્પોરેશનની ટીમે તાત્કાલિક ધોરણે 8 દુકાનોને સીલ કરી દીધી હતી. આ ઉપરાંત, આરોગ્યના નિયમોનું પાલન ન કરવા બદલ જુદા જુદા વેપારીઓ પાસેથી કુલ રૂપિયા 45,000નો આકરો વહીવટી દંડ પણ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે ત્યાં હાજર ફળો અને શાકભાજીના જથ્થાની ગુણવત્તા પણ ચકાસી હતી.
ખાસ કરીને ઉનાળાની સીઝનમાં કેરી અને અન્ય ફળોને કૃત્રિમ રીતે ઝડપથી પકવવા માટે વેપારીઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી વિભાગે તમામ વેપારીઓને કડક સૂચના આપી છે કે ફળો પકવવા માટે પ્રતિબંધિત અને અત્યંત હાનિકારક એવા કેમિકલ 'કેલ્શિયમ કાર્બાઈડ'નો ઉપયોગ બિલકુલ ન કરવો. કેલ્શિયમ કાર્બાઈડથી પકવેલા ફળો ખાવાથી કેન્સર અને પેટની ગંભીર બીમારીઓ જેવી અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે, જે માનવ આરોગ્ય માટે ભારે જોખમી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી દિવસોમાં પણ કોઈ વેપારી આવા જોખમી કેમિકલનો ઉપયોગ કરતા પકડાશે, તો તેમની સામે કાયદાકીય કલમો હેઠળ આકરી ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
