<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

સુરતની પી પી સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ:રાત્રિભોજન બાદ અનેક વિદ્યાર્થીનીઓની તબિયત બગડતાં તંત્ર એક્શન મોડમાં

સુરતની ઘટના બાદ હવે રાજ્યની અન્ય હોસ્ટેલોમાં પણ આરોગ્ય અને ફૂડ સેફ્ટી વ્યવસ્થાની તપાસ કરવાનો નિર્ણય લેવાયો:આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતની હોસ્ટેલોમાં તપાસ હાથ ધરવા આરોગ્ય વિભાગને સૂચના

સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી પી સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવ્યા બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. રાત્રિભોજન લીધા બાદ 100થી વધુ વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા તેમને તાત્કાલિક અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં વાલીઓને પણ હોસ્ટેલ પ્રશાસન તરફથી માહિતી આપવામાં આવી હતી 

સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ તાત્કાલિક આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની ટીમને હોસ્ટેલ ખાતે મોકલી હતી. ટીમ દ્વારા હોસ્ટેલના કિચન, તૈયાર કરવામાં આવતા ભોજન તેમજ ખાદ્ય સામગ્રીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી સંબંધિત નિયમોનું પાલન થાય છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

સુરતની ઘટના બાદ હવે રાજ્યની અન્ય હોસ્ટેલોમાં પણ આરોગ્ય અને ફૂડ સેફ્ટી વ્યવસ્થાની તપાસ કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતની હોસ્ટેલોમાં તપાસ હાથ ધરવા આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે.

આ તપાસ દરમિયાન હોસ્ટેલમાં કિચન સરકારના નિર્ધારિત નિયમો મુજબ ચલાવવામાં આવે છે કે નહીં, ખાદ્ય સામગ્રી યોગ્ય રીતે સંગ્રહિત થાય છે કે નહીં અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા જળવાય છે કે નહીં તે ચકાસવામાં આવશે.આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપીને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા કડક સૂચના આપી છે. નિયમોનું ઉલ્લંઘન જોવા મળશે તો જવાબદાર સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

(11:19 PM IST)