તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Tuesday, 12th May 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને પગલે આર્થિક આત્મરક્ષા માટે મોટો નિર્ણય : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો
આર્થિક સ્થિરતા, ઈંધણ બચત અને કરકસર માટે વડાપ્રધાને કરેલી સાત અપીલને સમર્થન : ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સના કન્વેન્શનમાં હર્ષભાઈ સંઘવી હાજરી નહીં આપે

ગાંધીનગર:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આર્થિક આત્મરક્ષા અને વૈશ્વિક સંકટ સામે મજબૂતીથી લડવા માટે દેશવાસીઓને સાત વિશેષ અપીલ કરી છે. આ આહ્વાન પ્રતિ પ્રતિસાદ આપતા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તેમનો આગામી અમેરિકા પ્રવાસ તાત્કાલિક અસરથી રદ કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાને ઈંધણ બચાવવા, વિદેશી હૂંડિયામણ જાળવવા અને કરકસર કરવા માટે કરેલી અપીલના બીજા જ દિવસે નાયબ મુખ્યમંત્રીએ આ નિર્ણય લઈને વહીવટી તંત્ર અને નાગરિકો સામે ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ચાલુ મહિનાના અંતિમ સપ્તાહમાં હર્ષભાઈ સંઘવી અમેરિકાના પ્રવાસે જવાના હતા. તેઓ ત્યાં ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ યુએસએ (FOGAUSA) દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવાના હતા. જોકે, વડાપ્રધાને એક વર્ષ માટે તમામ બિનજરૂરી વિદેશ પ્રવાસો ટાળવાની જે સૂચના આપી છે, તેને અનુસરીને હર્ષભાઈ સંઘવીએ વિદેશ જવાનું માંડી વાળ્યું છે. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રહિતમાં લેવાયેલા આવા નિર્ણયોમાં સહભાગી થવું એ દરેક જવાબદાર નાગરિકની ફરજ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આર્થિક સુરક્ષા માટે જે સાત મુદ્દાઓ પર ભાર મૂક્યો છે, તેમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડી જાહેર પરિવહનનો ઉપયોગ વધારવો અને જ્યાં શક્ય હોય ત્યાં 'વર્ક ફ્રોમ હોમ' ને પ્રાથમિકતા આપવી મુખ્ય છે. આ ઉપરાંત, ખાદ્ય તેલના વપરાશમાં ઘટાડો કરવો, વિદેશી ઉત્પાદનોના બદલે સ્વદેશી અપનાવવું અને એક વર્ષ માટે સોનું ખરીદવાનું ટાળવા જેવી મહત્વની બાબતોનો સમાવેશ થાય છે. આ પગલાંઓ દ્વારા દેશના અર્થતંત્રને બાહ્ય આંચકાઓ સામે રક્ષણ આપવાનું સરકારનું લક્ષ્ય છે.
નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતના નાગરિકોને પણ આ સાત અપીલોને ચુસ્તપણે અનુસરવા વિનંતી કરી છે. તેમણે ખાસ કરીને રાસાયણિક ખાતર પરની નિર્ભરતા ઘટાડીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. હર્ષભાઈ સંઘવીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાને જ્યારે દેશની આર્થિક આત્મરક્ષા માટે હાકલ કરી હોય, ત્યારે ગુજરાત હંમેશાની જેમ અગ્રેસર રહીને તેમાં પોતાનું યોગદાન આપશે. આર્થિક શિસ્ત જાળવવા માટે વિદેશી વસ્તુઓનો ત્યાગ કરવો અત્યંત અનિવાર્ય છે.
આ નિર્ણયને પગલે રાજ્યના વહીવટી તંત્રમાં પણ કરકસરના પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે. સરકારના ઉચ્ચ પદાધિકારીઓ હવે વિદેશ પ્રવાસોના બદલે ટેકનોલોજીના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સ્તરે સંપર્કમાં રહેશે. હર્ષભાઈ સંઘવીએ તેમનો પ્રવાસ રદ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાષ્ટ્રની આર્થિક મજબૂતી માટે વ્યક્તિગત કે રાજકીય કાર્યક્રમો કરતા દેશની અપીલ સર્વોપરી છે. આગામી દિવસોમાં આ અપીલની અસર રાજ્યના અન્ય વિભાગો અને સામાન્ય જનતા પર પણ વ્યાપક સ્તરે જોવા મળશે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
