<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

અમદાવાદના માંડલ પાસે લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ પર જીવલેણ હુમલો : અલ્પેશ ઠાકોરને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

લાઈવ પ્રોગ્રામમાં થયેલી બોલાચાલી બાદ અજાણ્યા શખ્સોએ હુમલો કરી મચાવી લૂંટ : લોકપ્રિય કલાકાર કાજલ મહેરિયાના પતિ પરના હુમલાથી સંગીત જગત અને ચાહકોમાં રોષ

અમદાવાદ : અમદાવાદ જિલ્લાના માંડલ વિસ્તારમાં મોડી રાત્રે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. લોકપ્રિય ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ અલ્પેશ ઠાકોર પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર મળ્યા છે. આ હુમલા બાદ ઈજાગ્રસ્ત અલ્પેશ ઠાકોરને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રોગ્રામ દરમિયાન થયેલો વિવાદ હિંસક બન્યો

મળતી વિગતો અનુસાર, માંડલ ખાતે કાજલ મહેરિયાનો એક લાઈવ પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન જ કેટલાક શખ્સો સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય જણાતો આ વિવાદ પ્રોગ્રામના અંતે હિંસક સ્વરૂપ ધારણ કરી લેશે તેવી કોઈને કલ્પના નહોતી. પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ જ્યારે કાજલ મહેરિયાના પતિ અલ્પેશ ઠાકોર ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે ઘાતકી હથિયારો સાથે આવેલા હુમલાખોરોએ તેમના પર તૂટી પડ્યા હતા.

હુમલો કરી લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ

હુમલાખોરોએ અલ્પેશ ઠાકોરને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આ શખ્સો માત્ર હુમલો કરીને જ અટક્યા નહોતા, પરંતુ લૂંટ પણ ચલાવી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતા હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. લોકગાયિકા શ્રીમતી કાજલ મહેરિયાના પતિ પર થયેલા આ હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

પોલીસ કાર્યવાહી અને તપાસ તેજ

ઘટનાની જાણ થતા જ માંડલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. લાઈવ પ્રોગ્રામમાં હાજર રહેલા લોકો અને આયોજકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય. હાલમાં સમગ્ર મામલે ગુનો નોંધવાની તજવીજ ચાલી રહી છે.

(9:58 PM IST)