<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

ખેડા જિલ્લામાં વરસાદ થંભ્યા બાદ પણ જળબંબાકાર: હજારો વિઘા ખેતરો પાણીમાં ગરકાવ, ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું

મધ્ય ગુજરાતમાં અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન, કપાસ-તુવેર-બાજરીના પાક પાણીમાં ડૂબ્યા, ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે અને વળતરની કરી રહ્યા છે માંગ

ખેડા તા.૨6 : મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં વરસાદ બંધ થયાને 2 દિવસ થઈ ગયા છે, છતાં હજુ પણ સ્થિતિ જળબંબાકાર જેવી જ છે. જિલ્લાના નીચાણવાળા અને ખેતી વિસ્તારોમાંથી પાણીનો નિકાલ ન થતાં ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

જિલ્લાના નડિયાદ, મહુધા, કપડવંજ અને ઠાસરા તાલુકાના હજારો વિઘા ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ છે. ખેતરોમાં 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાયેલા હોવાના અહેવાલ છે.

ખેડૂતોના મુખ્ય પાક કપાસ, તુવેર, બાજરી અને શાકભાજીના પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. પાક લાંબા સમય સુધી પાણીમાં રહેવાથી તે સડી જવાની ભીતિ છે. પ્રાથમિક અંદાજ મુજબ ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે

અસરગ્રસ્ત ખેડૂતોએ જિલ્લા તંત્ર અને સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવીને પાક વીમાનું અને સહાય પેકેજનું વળતર ચૂકવવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર પાણી નહીં નિકળે તો રવિ પાકનું વાવેતર પણ જોખમમાં મુકાશે.

જિલ્લા કલેક્ટરે તમામ તાલુકાના મામલતદારોને અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને નુકસાનનો અંદાજ કાઢવા સૂચના આપી છે. ડ્રેનેજ અને નહેરોમાંથી પાણીનો નિકાલ કરવા માટે મશીનરી ગોઠવવામાં આવી છે. કૃષિ વિભાગની ટીમો પણ ખેતરોની મુલાકાત લઈ રહી છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં હળવા વરસાદની આગાહી કરી છે, જેના કારણે તંત્ર અને ખેડૂતો બંને ચિંતામાં છે.

 

(4:02 PM IST)