<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

નવસારીના મોરલીમાં પૂરનો કહેર: અંબિકા નદીના રૌદ્ર સ્વરૂપે લીધા નિર્દોષ પશુઓના જીવ : ગામમાં હાહાકાર

અંબિકા નદીમાં આવેલા પૂરથી મોરલી ગામના નીચાણવાળા વિસ્તારો ડૂબ્યા, પાણીમાં તણાઈને અનેક ઢોર-ઢાંખરના મોત, ખેડૂતોને લાખોનું નુકસાન, તંત્રની રાહત ટીમો ઘટનાસ્થળે

નવસારી તા.૨૬ : નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં પૂર આવ્યું છે. નદીના રૌદ્ર સ્વરૂપના કારણે નવસારીના મોરલી ગામમાં ભારે નુકસાન થયું છે.

અંબિકા નદીના પાણી મોરલી ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. રાતોરાત આવેલા પૂરના કારણે ગામના ખેડૂતો અને પશુપાલકોના અનેક નિર્દોષ પશુઓ પાણીમાં તણાઈ ગયા. ભેંસ, ગાય અને બકરા સહિતના ઢોર-ઢાંખરના મોત થતાં ગામમાં શોકનો માહોલ છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે પશુઓને બચાવવાનો સમય પણ ન મળ્યો.

પૂરના પાણીથી ખેતરોમાં ઉભા પાકને પણ ભારે નુકસાન થયું છે. અનેક ખેડૂતોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. જેના કારણે તેમને ઘર-બાર છોડીને સલામત સ્થળે જવું પડ્યું છે.

ઘટનાની જાણ થતા જ મામલતદાર અને પશુપાલન વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. મૃત્યુ પામેલા પશુઓના પંચનામા કરીને સરકારી સહાયની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. NDRFની ટીમ પણ વિસ્તારમાં સ્ટેન્ડબાય છે.

ગ્રામજનોએ સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે.

(1:21 PM IST)