<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

સુરત શહેરના ગોડાદરા ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે પૂર અસરગ્રસ્તોને કેશડોલ્સ અને ઘરવખરી નુકસાન સહાયનું વિતરણ કરાયું : કુદરતી આપદાના સમયે સરકાર નાગરિકોની પડખે મક્કમતાથી ઊભી હોવાનો મંત્રીનો કોલ

સુરત જિલ્લા પ્રભારી અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવાયો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈની સૂચનાથી યુદ્ધના ધોરણે સર્વે કરી વિના વિલંબે ત્વરિત આર્થિક સહાય અપાતા સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો

સુરત: સુરત શહેર સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિને પગલે અસરગ્રસ્ત થયેલા પરિવારોને ત્વરિત રાહત પહોંચાડવા માટે સરકાર દ્વારા સરકારી સહાય આપવાની કામગીરી તેજ કરવામાં આવી છે. સુરત શહેરના ગોડાદરા વિસ્તારના પટેલ નગર ખાતે પૂરગ્રસ્ત પરિવારોને સરકારી સહાય પેટે કેશડોલ્સ તેમજ ઘરવખરીના નુકસાન સામે આર્થિક સહાયનું વિતરણ કરવાનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સુરત જિલ્લા પ્રભારી અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના વરદહસ્તે યોજાયો હતો. આ પ્રસંગે પ્રભારી મંત્રી અને કેન્દ્રીય જળશક્તિમંત્રીએ પૂરથી પ્રભાવિત થયેલા વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

 

 વહીવટી તંત્ર દ્વારા ઝડપી સર્વે કરી વિના વિલંબે સહાય ચૂકવાઈ રહી છે:

પૂરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લઈને તેમની મુશ્કેલીઓ જાણ્યા બાદ અસરગ્રસ્તોને સાંત્વના પાઠવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, કુદરતી આપદાના સમયે સરકાર નાગરિકોની પડખે મક્કમતાથી ઊભી છે. પૂરના કારણે જે પરિવારોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે, તે તમામ શહેરીજનો વહેલી તકે પોતાનું સામાન્ય જીવન પુનઃ શરૂ કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા ઝડપી સર્વે કરીને વિના વિલંબે સહાય ચૂકવવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, સુરત શહેર પર આવેલી કોઈ પણ આફતનો સામનો કરવા માટે વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકાની સાથે શહેરીજનોનું પણ મોટું યોગદાન રહેતું હોય છે.

 

 સફાઈ કર્મીઓ અને જાગૃત શહેરીજનોના યોગદાનથી 'સ્વચ્છ સુરત' ફરી બેઠું થયું:

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્દેશ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રૂબરૂ સુરત અને નવસારીની મુલાકાત લઈને સ્થિતિની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી છે. વડાપ્રધાનની સૂચનાથી દરેક પ્રભાવિત વિસ્તારમાં તાત્કાલિક સહાય પહોંચાડવા માટે સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. તેમણે સુરતને પુનઃ સ્વચ્છ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા સફાઈ કર્મીઓની સરાહના કરતા કહ્યું હતું કે, સુરત શહેર સફાઈ કર્મીઓના આ ઋણને ક્યારેય ભૂલી શકશે નહીં. જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાની સાથે-સાથે સફાઈ કર્મીઓ અને જાગૃત શહેરીજનોએ પણ સાથે મળીને 'સ્વચ્છ સુરત'ને ફરીથી બેઠું કરવામાં અને સ્વચ્છ બનાવવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે. વહીવટી તંત્રની આ ત્વરિત કામગીરી અને સરકાર દ્વારા મળેલી સમયસરની આર્થિક સહાય બદલ સ્થાનિક રહીશોએ હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરી હતી.

 

 કાર્યક્રમમાં સુરતના રાજકીય અને પ્રશાસનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા:

ગોડાદરા ખાતે આયોજિત આ સહાય વિતરણના કાર્યક્રમ પ્રસંગે સુરત શહેરના મેયર માયાબેન માવાણી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ડેપ્યુટી મેયર સુધાકરભાઈ ચૌધરી તેમજ સ્થાયી સમિતિના ચેરમેન રાજનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, પ્રાંત અધિકારી (દક્ષિણ) વી.જે. ભંડારી, શહેર સંગઠનના પ્રમુખ પરેશભાઈ પટેલ સહિત ઉધના મામલતદાર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને વહીવટી અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(8:26 PM IST)