<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

સાબરકાંઠામાં આભમાંથી વરસી રહી છે અગનજ્વાળાઓ: ઇડરમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચતા જનજીવન ભારે પ્રભાવિત

ઇડરિયા ગઢના પથ્થરો ભઠ્ઠીની જેમ તપ્યા અને હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં લૂના ફૂંકાતા ગરમ વાયરાએ લોકોના લમણા શેક્યા, બપોરે બજારોમાં સન્નાટો અને હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો

ઇડર : સાબરકાંઠા જિલ્લામાં ઉનાળો હવે આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે. ઇડરમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને વટાવી જતાં સમગ્ર પંથક અગ્નિકુંડમાં ફેરવાયો છે. ખાસ કરીને ઇડરિયા ગઢના પથ્થરો તપવાને કારણે બપોરના સમયે ગરમ લૂ ફૂંકાતા વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હિંમતનગર અને ઇડરના મુખ્ય માર્ગો બપોરના સમયે સુમસામ ભાસી રહ્યા છે, જાણે અઘોષિત સંચારબંધી લાદવામાં આવી હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે.

ભીષણ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાં, શેરડીનો રસ અને આઈસ્ક્રીમનો સહારો લઈ રહ્યા છે, જેના કારણે બજારોમાં ખાણી-પીણીની લારીઓ પર ગ્રાહકોની ભીડ જામી છે. જોકે, ગરમીની સીધી અસર વેપાર-ધંધા પર પણ પડી છે, કારણ કે લોકો બપોરે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. માત્ર મનુષ્યો જ નહીં, પરંતુ અબોલ પશુ-પક્ષીઓ પણ પાણી અને છાંયડા માટે વલખાં મારી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને બપોરે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

ગરમીના પ્રકોપ વચ્ચે લૂ લાગવા અને તાવ જેવી બીમારીઓના કિસ્સામાં મોટો ઉછાળો આવ્યો છે. સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં ડિહાઇડ્રેશનના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી થોડા દિવસો સુધી ગરમીમાં કોઈ રાહત મળવાની શક્યતા નથી, જેને પગલે ખેતી અને પશુપાલન પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. લોકો હવે આ અગનવર્ષામાંથી મુક્તિ મેળવવા માટે મેઘરાજાના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા છે.

(12:53 AM IST)