તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
આઝાદી પછી પ્રથમવાર ‘ટુકડા ધારા-૧૯૪૯’ માં કરાયા વ્યાપક સુધારા - મંત્રી ઋષિકેશભાઈ પટેલ : ૭૫ વર્ષ જૂની જટિલતાનો અંત લાવી ‘ગુજરાત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા બાબતનો (સુધારા) વિધેયક, ૨૦૨૬’ વિધાનસભામાં સર્વાનુમતે પસાર
૧૯૪૮ થી ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી થયેલા તમામ ટુકડા ધારાના ભંગ કોઈપણ પ્રકારના દંડ વિના નિયમબદ્ધ કરાશે : તમામ ગ્રામીણ વિસ્તારો માટે માનક ક્ષેત્રફળ ૧૦ ગુંઠા નક્કી - શહેરી વિસ્તારોને ટુકડા ધારામાંથી સંપૂર્ણ મુક્તિ મળી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર:ગુજરાત વિધાનસભા ગૃહમાં મહેસૂલ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલું જનહિતકારી “ગુજરાત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા બાબતનો (સુધારા) વિધેયક, ૨૦૨૬” સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આઝાદી પછી પ્રથમવાર ૭૫ વર્ષ જૂના કાયદામાં કરવામાં આવેલા ક્રાંતિકારી સુધારા અંગે માહિતી આપતાં મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર “વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત અને Ease of Doing Business” ના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. આ સુધારા વિધેયકથી રાજ્યના લાખો ખેડૂતો, મધ્યમ વર્ગ, રોકાણકારો અને સામાન્ય નાગરિકોને જમીન સંબંધી બાબતોમાં મોટી રાહત મળશે.
આ વિધેયકની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ મુજબ, ટુકડા ધારાના મૂળ કાયદાના અમલ વર્ષ ૧૯૪૮ થી લઈને ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં થયેલા તમામ ટુકડા ધારાના ભંગના કેસોને કોઈપણ પ્રકારનો દંડ કે પ્રીમિયમ વસૂલ્યા વગર નિયમબદ્ધ (વિનિયમિત) કરવામાં આવશે. અગાઉ જંત્રીના ૧૦ ટકા પેનલ્ટી ભર્યા પછી પણ વ્યવહાર કાયદેસર થતા ન હતા અને 'ફોક' ગણાતા હતા, જેના કારણે રિવિઝન કેસો ચાલતા હતા. હવે આ સુધારાથી હજારો 'બોનાફાઇડ' ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થશે અને રેવન્યુ કોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ કેસોનો કાયમી નિકાલ આવશે. રાજ્ય સરકારે આ પ્રજાલક્ષી નીતિ માટે તાત્કાલિક અસરથી વટહુકમ (Ordinance) લાવી અમલ શરૂ કર્યો હતો, જેને હવે કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે.
વિધેયકમાં ઉમેરવામાં આવેલી નવી કલમ-૫(૪) નો ઉપયોગ કરીને રાજ્ય સરકાર દ્વારા અગાઉ પિયત, બિનપિયત, બાગાયત અને જીરાયત જમીન માટે અલગ-અલગ રહેલા માપદંડોની જટિલતા દૂર કરવામાં આવી છે. હવેથી સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે તમામ લોકલ એરિયામાં એકસમાન માનક ક્ષેત્રફળ (Standard Area) ૧૦ ગુંઠા (૧૦૧૨ ચોરસ મીટર) નક્કી કરાયું છે. ખેતીની ગુણવત્તા અને વાયબિલિટી જાળવી રાખવાના હેતુથી હવે ૧૦ ગુંઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં.
આ ઉપરાંત, ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ ના જાહેરનામા દ્વારા થયેલા અન્ય એક મહત્વના સુધારા મુજબ રાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના વિસ્તારોને આ 'ટુકડા ધારા'માંથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં બિનખેતી (NA) ની પ્રક્રિયા, બાંધકામ અને જમીન લે-વેચના વ્યવહારો અત્યંત ઝડપી અને પારદર્શક બનશે.
મંત્રી ઋષિકેશભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય કમિટીના ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ આ ભલામણોનો સ્વીકાર કરાયો છે. આ ઐતિહાસિક સુધારાથી વહીવટમાં પારદર્શિતા વધશે, ભ્રષ્ટાચાર પર લગામ લાગશે તેમજ રાજ્યમાં 'ઈઝ ઓફ લિવિંગ' અને સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
