તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Sunday, 28th June 2026
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ઉચ્ચ અધિકારીઓના ગેરકાયદે બંગલા પર ફર્યું તંત્રનું બુલડોઝર : 15 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
એકતા નગર ખાતે સિંચાઈ વિભાગના નિવૃત્ત અધિક્ષક ઇજનેર સહિત 3 અધિકારીઓએ સરકારી જમીન પર બાંધ્યા હતા આલીશાન બંગલા : વર્ષોથી ચાલતી તપાસ બાદ કલેક્ટરના આદેશથી ડિમોલિશન : ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ

એકતા નગર : ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સરકારી તંત્રએ પોતાના જ ઉચ્ચ અધિકારીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતા નગર ખાતે સરકારી જમીન પર બાંધવામાં આવેલા આલીશાન બંગલા આજે વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી આશરે 15 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, એકતા નગરમાં સિંચાઈ વિભાગના નિવૃત્ત અધિક્ષક ઇજનેર સહિત 3 ઉચ્ચ અધિકારીઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર રીતે આલીશાન બંગલા બાંધી દીધા હતા. આ અંગેની ફરિયાદો વર્ષોથી પડતર હતી.
નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરાવવામાં આવી હતી. તપાસમાં બાંધકામ સંપૂર્ણપણે ગેરકાયદેસર હોવાનું સાબિત થતા કલેક્ટરે તાત્કાલિક ડિમોલિશનનો આદેશ આપ્યો હતો. આજે વહેલી સવારે જિલ્લા વહીવટી તંત્ર, પ્રાંત અધિકારી, મામલતદાર અને ભારે પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર લઈને સ્થળ પર પહોંચી ગયું હતું અને ત્રણેય બંગલા જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્રની આ લાલ આંખ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, "સરકારી જમીન પર કોઈપણ વ્યક્તિ, પછી તે ગમે તે હોદ્દા પર હોય, ગેરકાયદે કબજો સહન કરવામાં આવશે નહીં. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ રાષ્ટ્રીય મહત્વનું સ્થળ છે અને તેની આસપાસની તમામ જમીન સરકારી છે. આગામી દિવસોમાં પણ દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રહેશે."
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓના બંગલા પર બુલડોઝર ફેરવવાની આ પ્રથમ ઘટના છે.
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
