તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
પ્રથમ તબક્કે સરકારી કચેરી, શાળા, હોસ્પિટલોમાં કચરા માટે ચાર ડબ્બાની સિસ્ટમ લાગુ કરાશે
ત્રણથી ચાર મહિનામાં ડો-ટુ-ડોર કલેક્શનની ગાડીઓને પણ આ મુજબ કન્વર્ટ કરાશે

ગાંધીનગર તા.૧: ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર, ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના પદાધિકારીઓ માટે ધન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬ના અમલીકરણ અંગે એક દિવસીય રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં કરાયું હતું. ૧લી એપ્રિલથી સમગ્ર રાજ્યમાં અમલી બનેલા ધન કચરા વ્યવસ્થાપન અધિનિયમ-૨૦૨૬ના અમલીકરણ માટે યોજાયેલી આ કાર્યશાળામાં શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ.થેન્નારસને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર મોનિટરિગ કમિટીની રચના કરવામાં આવી છે. હવેથી કચરાને (૧) ભીનો કચરો (૨) સૂકો કચરો (૩) સેનિટરી કચરો અને (૪) ખાસ કાળજીવાળો કચરો જેવા ચાર ભાગમાં અલગ કરવો ફરજિયાત બનશે. પ્રથમ તબક્કામાં તમામ સરકારી અને નગરપાલિકાની કચેરીઓ, શાળાઓ અને હોસ્પિટલોમાં ચાર ડબ્બાની સિસ્ટમ તાત્કાલિક લાગુ કરાશે અને આગામી ત્રણ-ચાર મહિનામાં ડોર-ટુ-ડોર કલેક્શનની ગાડીઓને પણ આ મુજબ કન્વર્ટ કરાશે.
તેમણે કહ્યું હતું કે, આ ઉપરાંત, ડમ્પિંગ સાઈટની નોંધણી ફરજિયાત કરાઈ છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે પેનલ્ટીની જોગવાઈ છે. જૂના કચરાના નિકાલ માટે બાયો-માઇનિગ અને રેમિડિએશનની કામગીરી હાથ ધરાશે. જેનો ઉત્કૃષ્ટ નમૂનો અમદાવાદ-ધોલેરા હાઈવેના નિર્માણમાં કચરાના રિસોર્સ તરીકે ઉપયોગ કરીને પૂરો પાડવામાં આવ્યો છે. તમામ નગરપાલિકાની ગાડીઓનું જીપીએસ અને કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા મોનિટરિગ કરાશે.
ગુજરાતમાં અંદાજે ૫૦ ટકા વસતિ શહેરી વિસ્તારમાં વસે છે અને વર્ષ ૨૦૫૦ સુધીમાં આ પ્રમાણ ૯૫ ટકા થવાની સંભાવના છે. જ્યારે રાજ્યના જીડીપીમાં શહેરોનો હિસ્સો ૭૫થી ૮૦ ટકા જેટલો રહેશે ત્યારે કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતાની મોટી જવાબદારી આપણા ઉપર છે.
વિકાસના કામોને ઉજાગર કરવા માટે સ્વચ્છતા અનિવાર્ય શરતઃ મંત્રી દર્શનાબેન વાઘેલા
શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, કોઈપણ શહેર કે નગરની સ્વચ્છતા વગર તથાં થયેલો ગમે તેવો મોટો વિકાસ પણ ઝાંખો પડશે. વિકાસના કામોને ઉજાગર કરવા માટે સ્વચ્છતા અનિવાર્ય શરત છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાત સ્વચ્છતામાં દેશમાં ત્રીજા ક્રમે રહ્યું છે પરંતુ આપણે સૌએ સાથે મળીને રાજ્યને પ્રથમ ક્રમે લાવવાનું છે. સુદઢ આયોજન અને ડોર-ટુ-ડોર કચરા કલેક્શન સિસ્ટમ દ્વારા અમદાવાદને સફળતાપૂર્વક ક્ચરાપેટી મુક્ત બનાવાયું છે. જે મોડલ અન્ય પાલિકાઓએ પણ અપનાવવું જોઈએ.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
