<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

સુરતમાં ફટાકડાનો ધડાકો બાળકો માટે ચિંતાનું કારણ બન્યો :કુલ 26 દાઝ્યા :ચાર બાળકોની હાલત ગંભીર

મોટાભાગનાં બાળકોને હાથ, પગ અને મોઢાના ભાગે દાઝવાની ઈજાઓ પહોંચી: કોઈ હાથમાં ફટાકડો ફોડતાં તો કોઈ ચિંગારીથી દાઝ્યું

સુરત શહેરમાં દિવાળીના પર્વ દરમિયાન ફટાકડા ફોડવાની ઉજવણી કેટલાક પરિવારો માટે ચિંતાનું કારણ બની છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફટાકડા ફોડતી વખતે બાળકો સહિત કુલ 26 લોકો દાઝવાની ઘટનાઓ સામે આવી છે. દાઝી ગયેલા લોકોમાં મોટાભાગનાં નાનાં બાળકો હોવાનું જાણવા મળ્યું છે. ફટાકડાની ઉજવણી દરમિયાન બનેલી આ ઘટનાઓ વાલીઓ માટે લાલબત્તી સમાન છે.


ફટાકડા ફોડતી વખતે કોઈ બાળકના હાથમાં જ ફટાકડો ફૂટી ગયો હતો, તો કોઈ બાળક ફટાકડામાંથી નીકળેલી ચિંગારીને કારણે દાઝ્યું હતું. મોટાભાગનાં બાળકોને હાથ, પગ અને મોઢાના ભાગે દાઝવાની ઈજાઓ પહોંચી છે. અચાનક બનેલી આ ઘટનાઓના પગલે પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.


દાઝી ગયેલા તમામ બાળકોને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હાલ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી છે. આ પૈકી ચાર બાળકોની હાલત ગંભીર હોવાથી તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યાં છે. ડોક્ટરોની ટીમ દ્વારા આ બાળકોની સઘન સારવાર કરવામાં આવી રહી છે.


દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડતી વખતે બાળકોની સુરક્ષા પ્રત્યે પૂરતું ધ્યાન ન રાખવામાં આવે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. સુરતમાં બનેલી આ ઘટનાઓ વાલીઓ માટે ચેતવણી સમાન છે. બાળકને એકલા ફટાકડા ફોડવા ન દેવા, સુરક્ષિત અંતર જાળવવું અને જરૂરી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે, જેથી તહેવારની ખુશી દુર્ઘટનામાં ન ફેરવાય.

 

(3:30 PM IST)