News of Saturday, 9th May 2026
અમદાવાદમાં ‘આકાશમાંથી અગનગોળા’ વરસશે : આગામી ૬ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર : પારો ૪૪ ડિગ્રીને વટાવશે
હવામાન વિભાગ દ્વારા હીટવેવની ગંભીર ચેતવણી : બપોરે ૧૨ થી ૫ દરમિયાન કામ વગર બહાર ન નીકળવા એએમસીની અપીલ : કાળઝાળ ગરમીથી બચવા ૧૭ વોર્ડમાં ૪૫ હોટસ્પોટ જાહેર કરાયા : ક્યુઆર કોડથી રીયલ ટાઈમ તાપમાન જાણી શકાશે

અમદાવાદ: ગુજરાતમાં ઉનાળો હવે તેના રૌદ્ર સ્વરૂપમાં પ્રવેશ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં સૂર્યનારાયણ આકરા પાણીએ હોય તેમ ગરમીનો પારો સતત ઉંચે જઈ રહ્યો છે. અમદાવાદ સ્થિત હવામાન વિભાગ દ્વારા શહેર માટે આગામી ૬ દિવસ સુધી ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ, શહેરનું મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસને પાર કરી જવાની પૂરી શક્યતા છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા ‘હીટ એક્શન પ્લાન’ અમલી બનાવી દેવામાં આવ્યો છે.
૪૪ ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર
છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ ૪૩.૨ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. હવામાન એજન્સીઓના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયા દરમિયાન ગરમીમાં કોઈ રાહત મળવાના સંકેત નથી. અમદાવાદમાં ૧૧ થી ૧૩ મે દરમિયાન પ્રચંડ હીટવેવની સંભાવનાને જોતા તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા જણાવાયું છે. માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરામાં પણ તાપમાનનો પારો ૪૧ થી ૪૩ ડિગ્રીની વચ્ચે રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
AMC દ્વારા ૪૫ હોટસ્પોટ જાહેર અને QR કોડની વ્યવસ્થા
વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના ૬ ઝોનના ૧૭ વોર્ડમાં કુલ ૪૫ વિસ્તારોને ‘હોટસ્પોટ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકોની સુવિધા માટે પ્રથમવાર ક્યુઆર (QR) કોડ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે, જેના દ્વારા જે-તે વિસ્તારના રીયલ ટાઈમ તાપમાન અને ગરમીની તીવ્રતા વિશે મોબાઈલ પર જ માહિતી મેળવી શકાશે. આરોગ્ય વિભાગે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અને સતત હાઇડ્રેટેડ રહેવા સલાહ આપી છે.
તંત્ર એલર્ટ મોડ પર: બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રખાશે
કાળઝાળ ગરમીમાં વાહનચાલકોને રાહત આપવા માટે મહાનગરપાલિકા દ્વારા બપોરના સમયે કેટલાક વ્યસ્ત ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, જાહેર સ્થળો અને એસટી ડેપો પર પીવાના પાણી અને ઓઆરએસ (ORS) પેકેટના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં એક તરફ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી માહોલ છે, તો બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ શરૂ થતા જનજીવન પ્રભાવિત થયું છે. આવનારા ૬ દિવસોમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચવાની આશંકાએ તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોને હીટસ્ટ્રોકના દર્દીઓ માટે સ્ટેન્ડબાય રહેવા આદેશ અપાયા છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
