<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

ગુજરાતમાં આગામી 48 કલાક 'અગનગોળા' વરસશે, અમદાવાદ યલો એલર્ટ

સોરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગરમીનો પ્રકોપ સૌથી ધવુ

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત ઉપર ચઢી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે રાજ્યમાં હિટવેવની ગંભીર આગાહી કરી છે અને અનેક વિસ્તારોમાં 'યલો અલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. સૂર્યદેવના આકરા તેવરને જોતા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા ખાસ અપીલ કરી છે.

 

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. હાલમાં રાજકોટ 41.8° સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. હવામાન વિભાગના મતે, આજે રાજકોટમાં પારો 42° ને પાર કરી જવાની પૂરેપૂરી શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ગરમીના મિશ્રણથી લોકો બફારાનો પણ અનુભવ કરી રહ્યા છે. આગામી બે દિવસમાં તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. અમદાવાદમાં પણ ગરમીની ધગધગતી શરૂઆત થઈ ચૂકી છે. શહેરમાં ગતરોજ 40.2° સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે આગામી 48 કલાકમાં વધીને 42° સુધી પહોંચી શકે છે.

 હવામાન વિભાગ દ્વારા અમદાવાદ માટે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે સૂચવે છે કે ગરમીના કારણે વૃદ્ધો અને બાળકોએ વિશેષ કાળજી લેવાની જરૂર છે. બપોરના સમયે શહેરના રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે અને લોકો ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે.

 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનોની દિશામાં ફેરફાર અને ગરમ પવનો ફૂંકાવાને કારણે હિટવેવની સ્થિતિ સર્જાઈ છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ હાઈડ્રેટેડ રહેવા માટે પુષ્કળ પાણી, છાશ અને ફળોના રસનું સેવન કરે. ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં જવાનું ટાળવું í.જોઈએ અને જો જવું પડે તો માથું અને શરીર સફેદ સુતરાઉ કપડાથી ઢાંકીને રાખવું જોઈએ.

(3:25 PM IST)