<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

ગોધરામાં મતદાન મથકે ‘અગ્નિપરીક્ષા’: શારદા મંદિર સ્કૂલમાં એસી શોર્ટ સર્કિટથી ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી, મતદાન પૂર્વે જ સર્જાયો ખૌફનાક મંજર

ચૂંટણી સ્ટાફની સજાગતાએ લોકશાહીના ‘ભાગ્ય’ સમાન EVM મશીનોને બચાવ્યા, ધુમાડાના ગોટા વચ્ચે જીવના જોખમે મશીનો સુરક્ષિત ખસેડાયા, પોલીસે પાયલોટિંગ કરી ફાયર ફાઈટર માટે રસ્તો સાફ કરાવતા મોટી હોનારત ટળી

ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરામાં આજે લોકશાહીના પર્વ દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી છે. બામરોલી રોડ પર આવેલી શારદા મંદિર સ્કૂલમાં ઉભા કરાયેલા મતદાન મથકમાં વહેલી સવારે મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક તપાસ મુજબ, મતદાન મથકના રૂમમાં લગાવવામાં આવેલા એર કંડિશનર (AC) માં ટેકનિકલ ખામીને કારણે શોર્ટ સર્કિટ થયું હતું અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાને પગલે શાળા પરિસરમાં હાજર કર્મચારીઓ અને વહેલી સવારથી મતદાન કરવા આવેલા નાગરિકોમાં ભારે નાસભાગ અને ગભરાટ ફેલાયો હતો.

આ કટોકટીના સમયે ચૂંટણી સ્ટાફ અને ફરજ પરના જવાનોએ અપ્રતિમ બહાદુરી અને સમયસૂચકતા દર્શાવી હતી. આગની જ્વાળાઓ પ્રસરે તે પહેલા જ સ્ટાફે અંદર રહેલા કિંમતી EVM મશીનોને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. જો સ્ટાફની સતર્કતામાં સહેજ પણ ચૂક થઈ હોત, તો હજારો મતદારોના મતાધિકાર અને ચૂંટણી પ્રક્રિયા પર મોટું જોખમ ઉભું થઈ શક્યું હોત. સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડાના ગોટા છવાઈ ગયા હોવા છતાં, કોઈ જાનહાનિ થયા વિના તમામ સાધનોને અન્યત્ર ખસેડવામાં સફળતા મળી હતી.

દુર્ઘટનાની ગંભીરતા જોઈને ગોધરા ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત મોરચો સંભાળ્યો હતો. બામરોલી રોડ જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં ફાયર ફાઈટરના વાહનો ઝડપથી પહોંચી શકે તે માટે પોલીસે વિશેષ પાયલોટિંગ કરીને ‘ગ્રીન કોરિડોર’ જેવી વ્યવસ્થા કરી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. હાલમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને આગને કારણે થયેલા નુકસાનનો અંદાજ મેળવવાની સાથે વૈકલ્પિક વ્યવસ્થા કરી મતદાન પ્રક્રિયા ફરી શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(12:11 PM IST)