<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

અમદાવાદ, સુરત, રાજકોટ, ચોટીલા અને જામનગરમાં આગની ઘટના :ઓઈલ મિલ ઔદ્યોગિક એકમો, રહેણાક બિલ્ડિંગ અને ઘાસચારાના મકાનને આગે ઝપેટમાં લીધાં

વિવિધ સ્થળોએ ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર નિયંત્રણ મેળવવા કામગીરી કરી

ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારોમાં આગ લાગવાની પાંચ ઘટનાઓ સામે આવી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ચોટીલા અને જામનગરમાં બનેલી આ ઘટનાઓમાં ઓઈલ મિલ, ઔદ્યોગિક એકમો, રહેણાક બિલ્ડિંગ અને ઘાસચારાના મકાનને આગે પોતાની ઝપેટમાં લીધાં હતાં. વિવિધ સ્થળોએ ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર નિયંત્રણ મેળવવા કામગીરી કરી હતી.

 

અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા રોડ પર આવેલી તિવાના નામની ઓઈલ મિલમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ધોળકા, સાણંદ અને બાવળાની ફાયર બ્રિગેડની ટીમો દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગની ત્રણ ગાડીઓની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

 

સુરતના કતારગામ GIDC વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્કના એમ્બ્રોઇડરી કારખાનામાં ભીષણ આગની ઘટના બની હતી. આગને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

 

 

ચોટીલા તાલુકાના દુધેલી ગામે પશુઓનો ઘાસચારો ભરેલા મકાનમાં આગ લાગી હતી. આગમાં ઘાસચારો અને મકાન બળીને ખાખ થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં ચોટીલા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને નિયંત્રણમાં લીધી હતી.

 

 

રાજકોટના સોખડા નજીક આવેલી કંપનીઓમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બોક્સ બનાવતી કંપનીમાં લાગેલી આગે ફોટો ફ્રેમ બનાવતી કંપની સહિત આસપાસના અન્ય બે યુનિટને પણ અસર કરી હતી. દેવ પ્લાસ્ટિક કંપની પણ આગની ઝપેટમાં આવી હતી. ફાયર વિભાગની ચાર જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગને કાબૂમાં લેવા કંપનીનો શેડ તોડીને પણ કામગીરી કરવામાં આવી હતી. દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતાં આસપાસની ફેક્ટરીઓ ખાલી કરાવવામાં આવી હતી.

 

 

સુરતના મોટા વરાછામાં રિવર વ્યૂ પેદાર બિલ્ડિંગના 12મા માળે આગ લાગી હતી. ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી આઠ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. બીજી તરફ જામનગરના નંદનવન પાર્ક વિસ્તારમાં પ્લાસ્ટિકના ભંગારના વાડમાં આગ લાગી હતી. ફટાકડાને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર નિયંત્રણ મેળવવા પ્રયાસરત થઈ હતી.

 

(10:38 PM IST)