News of Tuesday, 24th November 2026
બનાસકાંઠામાં ભેળસેળના 4 કેસમાં રૂપિયા 11 લાખનો દંડ ફટકાર્યો: ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ
-જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને નમૂના ફેલ જવાના ચાર અલગ-અલગ કેસોમાં નિવાસી અધિક કલેક્ટરની કોર્ટે ચાર વેપારી પેઢીઓને કુલ ₹11 લાખનો દંડ ફટકાર્યો

નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા વેપારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને નમૂના ફેલ જવાના ચાર અલગ-અલગ કેસોમાં નિવાસી અધિક કલેક્ટરની કોર્ટે ચાર વેપારી પેઢીઓને કુલ ₹11 લાખનો દંડ ફટકાર્યો છે. થોડા સમય અગાઉ ફૂડ વિભાગ દ્વારા ઘી, ખાદ્યતેલ અને શ્રીખંડ સહિતના ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે લેબોરેટરી પરીક્ષણમાં નિષ્ફળ જતાં આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
વિગતો મુજબ, ડીસા ખાતે આવેલી અમર ઇન્ડસ્ટ્રીઝમાંથી લેવામાં આવેલા ટેલિફોન માસ્ટર્ડ ઓઇલનું સેમ્પલ લેબમાં ફેલ થતાં કોર્ટે ₹5 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે પાલનપુરના જગાણા જૈન દેરાસર પાછળ આવેલી મે. શ્યામ ડેરીમાંથી લેવામાં આવેલા 'સુખ પ્રીમિયમ કાઉ ઘી'ના નમૂનામાં ખામી જણાતા ₹2.50 લાખનો દંડ અને તે જ પેઢીમાંથી લેવાયેલા લુઝ ઘીનું સેમ્પલ ફેલ થતાં વધુ 2.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ, એક જ ડેરીને ઘીના બે અલગ-અલગ નમૂના ફેલ થતા કુલ 5 લાખનો દંડ થયો છે.
આ ઉપરાંત દાંતા ખાતે આવેલી મે. શ્રી ચારભુજા આઈસ્ક્રીમમાંથી લેવામાં આવેલા રાજભોગ શ્રીખંડનું સેમ્પલ પણ લેબ ટેસ્ટિંગમાં ફેલ સાબિત થયું હતું. આ મામલે નિવાસી અધિક કલેક્ટરની કોર્ટે સંબંધિત પેઢીને ₹1 લાખનો દંડ ફટકારવાનો આદેશ કર્યો છે.
જિલ્લામાં ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ થવાના કેસમાં એકસાથે રૂપિયા 11 લાખની માતબર રકમનો દંડ ફટકારવામાં આવતા અન્ય ભેળસેળ કરતા વેપારીઓ અને ઉત્પાદકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ અને સેમ્પલિંગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવે તેવી શક્યતા છે, જેથી લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
