તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
બોર્ડના HIG, MIG, LIG, EWS મકાનો પ્રમાણે રિડેવલપમેન્ટમાં બાંધકામ એરિયા મળવો જોઈએ
હાઉસિંગ બોર્ડની રિડેવલપમેન્ટ પોલિસીમાં વિસંગતતાથી સભ્યોમાં રોષ : જમીનની પૂરી કિમત ચૂકવી છતાં લીઝડીડ અને રિડેવલપમેન્ટના હકોથી વંચિત રાખ્યાનો આક્ષેપ

અમદાવાદ,તા.૦૯: ગુજરાત હાઉસિગ બોર્ડની હાયર ઈન્કમ ગ્રુપ અને સેલ્ફ-ફાઈનાન્સ સ્કીમોના મકાનોના રિડેવલપમેન્ટને લઈને લાભાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ યોજનાઓ અંતર્ગત બોર્ડ દ્વારા HIG સ્કીમમાં જમીનમાં સરકાર તરફથી કોઈ સબસીડી આપવામાં આવતી નહોતી. જ્યારે બાકીની EWS, LIG અને MIG કેટેગરીના મકાનોમાં જમીનમાં સરકાર તરફથી રાહત ગ્રાન્ટ અપાઈ હતી. આમ છતાં, ગુજરાત હાઉસિગ બોર્ડની રિડેવલપમેન્ટ પોલિસીમાં વિસંગતતા જોવા મળી રહી છે. બોર્ડના HIG, MIG, LIG, EWS કેટેગરી પ્રમાણે રિડેવલપમેન્ટમાં અલગ અલગ બાંધકામનો એરિયા મળવો જોઈએ. જમીનની પૂરી કિમત ચૂકવી છતાં લીઝ ડીડ અને રિડેવલપમેન્ટના હકોથી વંચિત રાખ્યાનો સભ્યો દ્વારા આક્ષેપ કરાયો છે.
વધુમાં, જો આવી સોસાયટી રિડેવલપમેન્ટમાં જાય તો બોર્ડને મળતા પ્રીમિયમનો હિસ્સો અને પ્રોજેક્ટના નાનો ભાગ પણ એસોસિએશનને મળવો ન્યાયસંગત છે. બીજો મહત્વનો મુદ્દો સરકારી સબસિડી અને મકાનોના કાર્પેટ એરિયાની અસમાનતાનો છે. EWS કેટેગરીના મકાનોમાં સરકાર સૌથી વધુ રાહત આપે છે જ્યારે MIG અને LIG કેટેગરીના મકાનોને અનુક્રમે ઓછી સબસિડી મળે છે. તેની સામે HIG અને કેટલીક સેલ્ફ-ફાઈનાન્સ MIG સ્કીમોમાં સરકાર તરફથી જમીન કે બાંધકામમાં કોઈ જ સબસિડી આપવામાં આવી નથી. હાઉસિગ બોર્ડના સભ્યોની ઉગ્ર રજૂઆત છે કે, નવી રિડેવલપમેન્ટ પોલિસીમાં HIG, MIG, LIG અને EWS કેટેગરી મુજબ જ અલગ અલગ પ્રોજેક્ટ અને બાંધકામને એરિયા નક્કી થવો જોઈએ.
જમીન લીઝ ડીડ કરી જાતે રિડેવલપમેન્ટનો વિકલ્પ રાખવા સભ્યોની માંગ
હાયર પરચેઝ કિમત (HP-COST) વસુલતી વખતે જ મકાનની સાથે જમીનની પૂરેપૂરી કિમત પણ લાભાર્થીઓ પાસેથી વસુલાઇ હતી. સભ્યોની માંગ છે કે,જો જમીનની કિમત પહેલેથી જ લઇ લેવાઈ હોય.તો હાઉસિગ બોર્ડે સંબંધિત સોસાયટી એસોસિએશનને જમીનની લીઝ ડીડ કરી આપવી જોઈએ અને તેઓને જાતે રિડેવલપમેન્ટ કરવાનો સ્પષ્ટ વિકલ્પ મળવો જોઈએ.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
