તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારાની નાણા વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત : ૭મા અને ૬ઠ્ઠા પગારપંચના દરોમાં સુધારો
નાણા વિભાગ દ્વારા ૪ નવેમ્બર ૨૦૨૬ના રોજ ઠરાવ પ્રસિદ્ધ કરાયા : ૧ જુલાઈ ૨૦૨૬થી લાગુ થનાર વધારા સાથે ૪ માસના એરિયર્સની ચૂકવણી નવેમ્બરના પગાર સાથે એક જ હપ્તામાં કરાશે : વાંચો વિગતવાર

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરોના હિતમાં મોંઘવારી ભથ્થા (DA) માં સુધારા અંગેના બે મહત્વપૂર્ણ સત્તાવાર ઠરાવો તારીખ ૦૪/૧૧/૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ૨૯ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ લેવાયેલા નિર્ણયના ધોરણે રાજ્ય સરકાર દ્વારા ૭મા પગારપંચ અને ૬ઠ્ઠા પગારપંચ હેઠળ પગાર તથા પેન્શન મેળવતા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાના દરોમાં તારીખ ૦૧/૦૭/૨૦૨૬થી વધારો કરવાનું ઠરાવાયું છે. નાણા વિભાગના નાયબ સચિવ આઈ.ડી. ચૌધરીની સહીથી આ બંને ઠરાવો પ્રસિદ્ધ કરાયા છે.
૭મા અને ૬ઠ્ઠા પગારપંચ મુજબ મોંઘવારી ભથ્થાના નવા દરો:
* ૭મું પગારપંચ: ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-૨૦૧૬ હેઠળ પગાર મેળવતા કર્મચારીઓ અને પેન્શનરો માટે પ્રવર્તમાન ૬૦% ના દરમાં ૩% નો વધારો કરી મૂળ પગારના ૬૩% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.
* ૬ઠ્ઠું પગારપંચ: ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-૨૦૦૯ હેઠળ પગારધોરણ ધરાવતા કર્મચારીઓ અને પેન્શનરો માટે પ્રવર્તમાન ૨૬૨% ના દરમાં ૭% નો વધારો કરી મૂળ પગારના ૨૬૯% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.
એરિયર્સની ચૂકવણી અને અમલીકરણની પદ્ધતિ:
નાણા વિભાગના આદેશ અનુસાર, કર્મચારીઓ અને પેન્શનરોને સુધારેલા મોંઘવારી ભથ્થાનો અમલ નવેમ્બર-૨૦૨૬ના પગાર સાથે કરવામાં આવશે. આ ઉપરાંત, જુલાઈ-૨૦૨૬ થી ઓક્ટોબર-૨૦૨૬ સુધીના કુલ ૪ માસના સમયગાળાની તફાવતની રકમ (એરિયર્સ) નું ચુકવણું નવેમ્બર-૨૦૨૬ ના પગાર (ડિસેમ્બર-૨૦૨૬ માં ચૂકવાપાત્ર) સાથે રોકડમાં એક જ હપ્તામાં કરી દેવામાં આવશે. હિસાબી ગણતરીમાં ૫૦ પૈસા કે તેથી વધુ રકમને આખા રૂપિયા તરીકે ગણવામાં આવશે, જ્યારે ૫૦ પૈસાથી ઓછી રકમને ધ્યાને લેવાશે નહીં.
યોજનાનો વ્યાપ અને લાગુ પડતી સંસ્થાઓ:
આ સત્તાવાર ઠરાવનો લાભ રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ, પેન્શનરો, પંચાયત કર્મચારીઓ, પ્રાથમિક શિક્ષકો, પંચાયત પ્રતિનિયુક્તિ પરના કર્મચારીઓ તેમજ કામ પૂરતા મહેકમના કર્મચારીઓને મળશે. આ ઉપરાંત, ગ્રાન્ટ-ઈન-એઈડ (સહાયક અનુદાન) મેળવતી બિન-સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક કર્મચારીઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (પંચાયતો અને નગરપાલિકાઓ) ના પાત્ર કર્મચારીઓને પણ આ સુધારાનો લાભ મળશે. ૭મા પગારપંચના ઠરાવની જોગવાઈઓ અખિલ ભારતીય સેવા (A.I.S.) ના અધિકારીઓને પણ સમાન રીતે લાગુ પડશે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
