<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

"પોલીસને વચ્ચે લાવ્યા વગર મોરે મોરો લડી લો": બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના આગેવાન ઠાકરસી રબારીની ભાજપના નેતાઓને ખુલ્લી ચેલેન્જ

બનાસકાંઠાના કોંગ્રેસ નેતાનો વીડિયો વાયરલ: રાજકીય આક્ષેપબાજી વચ્ચે સીધી લડાઈનું આહ્વાન, “સત્તાનો દુરુપયોગ નહીં, હિંમત હોય તો સામે આવો” કહેતા રાજકારણ ગરમાયું

બનાસકાંઠા, તા.૧૮: બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના આગેવાન ઠાકરસી રબારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેમણે ભાજપના નેતાઓને ખુલ્લી ચેલેન્જ આપી છે. “પોલીસને વચ્ચે લાવ્યા વગર મોરે મોરો લડી લો” એવા શબ્દો સાથે ઠાકરસી રબારીએ ભાજપના નેતાઓને સીધી લડાઈ માટે લલકાર્યા છે.

 

વીડિયોમાં ઠાકરસી રબારી જણાવી રહ્યા છે કે રાજકીય વિરોધ અને આક્ષેપબાજીના બદલે હિંમત હોય તો સામ-સામે આવીને લડત આપો. સત્તાનો અને પોલીસનો દુરુપયોગ કરીને વિરોધીઓને દબાવવાની નીતિ યોગ્ય નથી. તેમણે ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે જો તમારામાં હિંમત હોય તો મેદાનમાં આવો, પોલીસનું રક્ષણ લઈને પાછળ ન સંતાઓ.

 

આ વીડિયો વાયરલ થયા બાદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસ નેતાના આ નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. કોંગ્રેસના કાર્યકરો આ વીડિયોને શેર કરીને સમર્થન આપી રહ્યા છે, જ્યારે ભાજપ તરફથી હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

 

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીને લઈને રાજકીય માહોલ પહેલેથી જ ગરમાયેલો છે. બંને પક્ષોના નેતાઓ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. ઠાકરસી રબારીના આ વીડિયોએ ચૂંટણીના માહોલને વધુ ગરમ બનાવી દીધો છે.

(4:25 PM IST)