<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બે કેદીઓ વચ્ચે મારામારી : કેદી સમીરે ગડદાપાટુનો ઢોર માર માર્યો :કેદી સંજયને હાથમાં ફ્રેક્ચર

જેલના 'બડા ચક્કર'માં બે કેદીઓ વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું

અમદાવાદની હાઈ સિક્યોરિટી ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેલના 'બડા ચક્કર'માં બે કેદીઓ વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. એક કેદીએ બીજા કેદીને ઉશ્કેરણી કરતા મામલો બિચક્યો હતો .

મળતી માહિતી મુજબ, મેઘાણીનગરનો રહેવાસી અને કાચા કામનો કેદી સંજય રાઠોડ જૂની સેન્ટ્રલ જેલના બડા ચક્કરમાં કેદ છે. 6 મેના રોજ બપોરે 4 વાગ્યાની આસપાસ જ્યારે સંજય પોતાના બેરેકમાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર પાકા કામના કેદી સમીરે તેને ‘તું બાયલો છે’ કહીને બૂમ પાડી હતી. સંજયે આ શબ્દ સામે વાંધો ઉઠાવતા સમીર વધુ ઉશ્કેરાયો હતો અને ગાળાગાળી શરૂ કરી હતી.

 બોલાચાલી દરમિયાન સમીરે સંજયને લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને સમીરે સંજયને નીચે પાડી દઈને ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. સંજયે બચાવ માટે બૂમાબૂમ કરતા જેલના સુરક્ષાકર્મીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંનેને માંડ-માંડ છોડાવ્યા હતા.

મારામારીમાં સંજયને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક રીતે જેલના દવાખાનામાં સારવાર આપ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં નિદાનમાં જાણવા મળ્યું હતું કે સંજયને હાથમાં ફેક્ચર થયું છે.

આ સમગ્ર મામલે જેલ પ્રશાસન દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે આરોપી કેદી સમીર વિરુદ્ધ મારામારી અને ગંભીર ઈજા પહોંચાડવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેલમાં કેદીઓ વચ્ચે વધતા જતા આક્રમક વર્તનને લઈને પણ હવે જેલ પ્રશાસન સતર્ક થયું છે.

(1:29 PM IST)