News of Friday, 27th November 2026
૨૦૧૭માં નક્કી થયેલા ફીના ધોરણોને ૯મું વર્ષ છતાં યથાવત
સમિતિએ જૂન ૨૦૨૪માં રિપોર્ટ સુપરત કર્યો પણ હજુ નિર્ણય નહીં પ્રાથમિક વિભાગ માટે વાર્ષિક રૂ. ૧૫ હજાર, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે રૂ. ૨૫ હજાર અને ઉચ્ચતર માધ્યમિક સાયન્સ પ્રવાહ માટે રૂ. ૩૦ હજારની ફીની મર્યાદા બાંધવામાં આવી હતી

અમદાવાદ, તા. ર૭ : રાજ્યની ખાનગી શાળાઓની ફી નિર્ધારણની પ્રક્રિયા હાલ સરકારની ઉદાસીનતા અને ઢીલી નીતિનો ભોગ બની રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. વર્ષ ૨૦૧૭માં રાજ્ય સરકારે ખાનગી સ્કૂલો માટે ફીના જે સ્લેબ નક્કી કર્યા હતા, તેને આજે નવમું વર્ષ ચાલી રહ્યું છે, પરંતુ તેમાં એક રૂપિયાનો પણ ફેરફાર કરાયો નથી. આヘર્યની વાત એ છે કે ફીના સ્લેબમાં સુધારો કરવા માટે રચાયેલી સમિતિએ પોતાનો અહેવાલ સરકારને સુપરત કર્યાને પણ લગભગ અઢી વર્ષ જેટલો સમય વીતી ગયો છે, છતાં આ અહેવાલ શિક્ષણ વિભાગના કબાટમાં ધૂળ ખાઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
રાજ્યમાં ફી નિર્ધારણ કાયદો અમલમાં આવ્યા બાદ વર્ષ ૨૦૧૭માં સરકારે ખાનગી શાળાઓ માટે ત્રણ મુખ્ય સ્લેબ નક્કી કર્યા હતા. આ નિયમ મુજબ, પ્રાથમિક વિભાગ માટે વાર્ષિક રૂ. ૧૫ હજાર, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે રૂ. ૨૫ હજાર અને ઉચ્ચતર માધ્યમિક સાયન્સ પ્રવાહ માટે રૂ. ૩૦ હજારની ફીની મર્યાદા બાંધવામાં આવી હતી. જોકે, સમય જતાં મોંઘવારી, શિક્ષકોના પગાર અને શાળાના નિભાવ ખર્ચમાં સતત વધારો થવા છતાં ફીના આ માળખામાં કોઈ સુધારો કરાયો નહોતો. લાંબા સમયથી ફીના સ્લેબ યથાવત રહેતા ખાનગી શાળાના સંચાલક મંડળોએ રાજ્ય સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરી ફીમાં વધારો કરવાની માગ કરી હતી. સંચાલકોની સતત રજૂઆતો અને માગણીઓને ધ્યાનમાં રાખીને આખરે જૂન ૨૦૨૩માં શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેનના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી. આ સમિતિમાં રાજ્યના ચાર મુખ્ય મહાનગરના જિલ્લા શિક્ષણાધિકારીને પણ સભ્ય તરીકે સામેલ કરાયા હતા. સમિતિની રચના બાદ ફીના સ્લેબમાં સુધારણા અંગે પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી વાલીઓ, સંચાલકો અને સામાન્ય નાગરિકો પાસેથી પણ સૂચનો મગાવાયા હતા.
તમામ પાસાઓનો અભ્યાસ અને સૂચનોની ચકાસણી કર્યા બાદ શિક્ષણ બોર્ડના તત્કાલિન સચિવે જૂન ૨૦૨૪માં એક વિસ્તળત અહેવાલ શિક્ષણ વિભાગને સુપરત કર્યો હતો. સંચાલકોને આશા હતી કે અહેવાલ રજૂ થયા બાદ નવા શૈક્ષણિક સત્રથી ફીના સ્લેબમાં સુધારો થશે, પરંતુ, જૂન ૨૦૨૪માં રિપોર્ટ સોંપાયા બાદ અઢી વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સરકારે આ મામલે કોઈ જ નક્કર નિર્ણય લીધો નથી.
શિક્ષણ જગતમાં એવી ચર્ચાઓ જોર પકડી રહી છે કે જો સરકારને કોઈ નિર્ણય લેવો જ નહોતો તો સમિતિની રચના અને લોકો પાસેથી સૂચનો મગાવવાની કવાયત શા માટે કરવામાં આવી? ફીના જૂના સ્લેબ જ અમલમાં છે, જેને કારણે શાળા સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
