<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ગાંધીનગરમાં તસ્કરોનો બેખોફ આતંક: પરિવાર ગાઢ નિદ્રામાં પોઢતો રહ્યો ને ચોરો પાછળની બારી તોડી લાખોનો મુદ્દામાલ ઊંચકી ગયા!

ઉનાવા ગામમાં મકાનની ગ્રીલ ઉખાડી અંદર ઘૂસેલા શાતિર ચોરોએ તિજોરી સાફ કરી, સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી ₹૪.૯૬ લાખની ઘરફોડ ચોરીથી ખળભળાટ: પેથાપુર પોલીસ મથકે ફરિયાદ

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઉનાવા ગામમાંથી કાયદો અને વ્યવસ્થાના ચિથરેચિથરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર પરિવાર મકાન પરિસરમાં શાંતિથી ઊંઘતો રહ્યો અને મધરાતે તસ્કરોએ પાછળના ભાગેથી ત્રાટકીને લાખો રૂપિયાની ઘરફોડ ચોરીને અંજામ આપી દીધો. શાતિર ચોરોએ ઘરની લોખંડની બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીઓમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ ₹૪.૯૬ લાખની મત્તા પર હાથફેરો કરી રફુચક્કર થઈ ગયા છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

જમી પરવારીને પરિવાર શેડ નીચે સૂવા ગયો ને ખેલ થઈ ગયો:

ચોરીની આ ચકચારી ઘટના ઉનાવા ગામના આંટાનો ઠાકોર વાસમાં રહેતા ૨૭ વર્ષીય સાહિલ રાકેશજી ઠાકોરના ઘરે ઘટી હતી, જેઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત ૧૬ જુલાઈના રોજ સાહિલભાઈના પિતાજી કોઈ સગાના અવસાન નિમિત્તે બહારગામ ગયા હતા. ઘરમાં સાહિલભાઈ, તેમના પત્ની નીલમબેન, ભાઈ વિજયભાઈ અને ભાભી લક્ષ્મીબેન હાજર હતા. ભાઈ-ભાભી મકાનના ઉપરના માળે સૂતા હતા, જ્યારે સાહિલભાઈ અને તેમના પત્ની રાત્રે બારેક વાગ્યે જમી પરવારીને મકાનની આગળ બનાવેલા શેડ નીચે સૂવા ગયા હતા. આ જ નિરાંતનો ફાયદો અજાણ્યા તસ્કરોએ ઉઠાવ્યો હતો.

સવારે આંખ ખૂલી ત્યારે રૂમનો નજારો જોઈને પગ નીચેથી જમીન સરકી ગઈ:

બીજા દિવસે એટલે કે ૧૭ જુલાઈની વહેલી સવારે છ વાગ્યાની આસપાસ જ્યારે સાહિલભાઈના પત્ની જાગ્યા અને ઘરની અંદર ગયા, ત્યારે અંદરના રૂમનો નજારો જોઈને તેમના હોશ ઊડી ગયા હતા. રૂમમાં આવેલી તિજોરીઓ ખુલ્લી હાલતમાં હતી અને કપડાં સહિત તમામ સામાન વેરવિખેર પડ્યો હતો. તેમણે તુરંત જ સાહિલભાઈને જગાડીને આ અંગે જાણ કરી હતી. પરિવારે રૂમમાં તપાસ કરતાં જોયું કે મકાનની પાછળની દીવાલે આવેલી નાની બારીના લોખંડના સળિયાની આખી ગ્રીલ જ તસ્કરોએ સિફતપૂર્વક બહાર કાઢી નાખી હતી અને એ જ રસ્તેથી અંદર ઘૂસીને ચોરી આચરી હતી.

સોના-ચાંદીના કિંમતી દાગીના અને દોઢ લાખની રોકડ ગાયબ:

ચોરોએ ઘરમાં રાખેલી તિજોરીની ચાવી શોધીને તેને ખોલી હતી અને અંદર રાખેલો કિંમતી સામાન ચોરી લીધો હતો. ભોગ બનનાર પરિવારોના જણાવ્યા મુજબ, તસ્કરો તિજોરીમાંથી ₹૧.૭૪ લાખની કિંમતનું ૧૨ ગ્રામનું સોનાનું લોકેટ, ₹૭૨ હજારની સોનાની બુટ્ટી, ₹૪૦ હજારનો ચાંદીનો જુડો, ₹૪૦ હજારની ચાંદીની શેરો અને ₹૨૦ હજારની કિંમતની બાળકની ચાંદીની ૬ લકીઓ (બ્રેસલેટ) ચોરી ગયા છે. દાગીના ઉપરાંત તસ્કરો ₹૧,૫૦,૦૦૦ ની રોકડા રૂપિયાની લાઈવ કેશ પણ ઉઠાવી ગયા છે. આ સમગ્ર મામલે સાહિલ ઠાકોરે પેથાપુર પોલીસ મથકમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(10:09 PM IST)