તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
‘‘નકલી'' ડરથી હવે ‘‘લીગલ'' પરમિટ લેવામાં ઉછાળો
ભાવનગર લઠ્ઠાકાંડ બાદ ટ્રેન્ડ બદલાયોઃ લઠ્ઠાકાંડની અસર કે જાગૃતિ? : ઓગસ્ટમાં લીકર પરમિટધારકોમાં ૮૮ ટકાનો ઉછાળોઃ પરમિટ લેવામાં મહિલાઓની સંખ્યામાં વધારો રાજયમાં ૫૦,૦૦૦થી વધુ માન્ય પરમિટધારક

અમદાવાદ તા.૯: ઓગસ્ટ ૨૦૨૬માં ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં ફરીથી દારૂબંધીની ચર્ચા શરૂ થઈ હતી. ભાવનગરમાં આલ્કોહોલ મિશ્રિત નકલી દારૂ પીવાના કારણે અનેક લોકોની તબિયત લથડી હતી, જેમાં ૧૩ લોકોના મોત નીપજ્યા હતા અને ૫૦થી વધુ લોકોને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.એફએસએલ રિપોર્ટમાં દારૂના નમૂનાઓમાં આશરે ૩૮.૫% ઝેરી મિથાઈલ આલ્કોહોલ મળી આવ્યું હતું, જે સીધું મોતનું કારણ બન્યું હતું. દારૂ બનાવનાર મુખ્ય આરોપી નરેન્દ્ર યાદવનું પણ આવો દારૂ પીવાથી મોત નીપજ્યું હતું. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ લોકો અસુરક્ષિત અને ઝેરી દારૂના સેવનથી બચવા માટે લોકો હવે કાયદેસરની હેલ્થ પરમિટ તરફ વળી રહ્યા છે.
નશાબંધી અને આબકારી ખાતાના સત્તાવાર આંકડાઓ મુજબ, ઓગસ્ટ ૨૦૨૫ની સરખામણીએ ઓગસ્ટ ૨૦૨૬માં લિકર હેલ્થ પરમિટધારકોની
સંખ્યામાં લગભગ ૮૮.૯ ટકાનો તોતિગ ઊછાળો નોંધાયો છે. એપ્રિલ ૨૦૨૬માં ઘટીને માત્ર ૧૧ થઈ ગયેલી પરમિટની સંખ્યા ઓગસ્ટ મહિનામાં સીધી
૩૨૩ પર પહોંચી ગઈ છે. ઝેરી દારૂને કારણે જીવ ગુમાવવાના ડર અને પોલીસની કડકાઈને કારણે પરમિટધારકોમાં કાયદેસર પીવા તરફ ઝૂકાવ જોવા મળ્યો છે. સિવિલમાં ૮ મહિનામાં ૨,૬૭૦ લોકોએ દારૂની હેલ્થ પરમિટ લીધી છે. જેમાં ૧૫૫ મહિલાઓએ પણ મંજૂરી મેળવી છે.
ગત વર્ષના સમાનગાળાની તુલનામાં આ વર્ષે કેટલો વધારો ભાવનગરમાં ઓગસ્ટ ૨૦૨૬માં થયેલા લઠ્ઠાકાંડ બાદ લોકોમાં અસુરક્ષિત અને ઝેરી દારૂના સેવનથી બચવા માટે કાયદેસરની હેલ્થ પરમિટ તરફ વળવાનો ઝોક વધ્યો હોવાનું આંકડા પણ સાબિતી આપે છે. વર્ષ ૨૦૨૫ના ઓગસ્ટ મહિનામાં કુલ પરમિટધારકોની સંખ્યા ૧૭૧ હતી, જેમાં ૧૧૮ પરમિટ ધારકો રિન્યુ કરાવી હતા અને નવા ૫૩ પરમિટ ધારકો ઉમેરાયા હતા. જ્યારે તેની સરખામણીએ વર્ષ ૨૦૨૬ના ઓગસ્ટ મહિનામાં આ સંખ્યા વધીને ૩૨૩ પર પહોંચી હતી. જેમાં ૨૪૬ પરમિટ ધારકોએ રિન્યુ કરાવી હતી અને નવા ૭૭ પરમિટ ધારકો ઉમેરાયા હતા. આમ, વર્ષ ૨૦૨૫ના ઓગસ્ટની સરખામણીએ વર્ષ ૨૦૨૬ના ઓગસ્ટમાં નવા પરમિટધારકો તેમજ રિન્યુઅલ કરાવનારાની સંખ્યામાં લગભગ બમણો વધારો નોંધાયો હતો.
વર્ષ ૨૦૨૩થી વર્ષ ૨૦૨૫ દરમિયાન એપ્રિલ મહિનામાં સરેરાશ ૨૦૦થી ૪૦૦ પરમિટ ઈશ્યૂ અથવા રિન્યૂ થતી હતી જ્યારે વર્ષ ૨૦૨૬ના એપ્રિલ મહિનામાં આ આંકડો ઘટીને માત્ર ૧૧ થઈ ગયો હતો. આ તફાવત દર્શાવે છે કે એપ્રિલ મહિનામાં લિકર પરમિટના પૈસામાં થયેલા કૌભાંડને કારણે પરમિટની સંખ્યા તળિયે પહોંચી ગઈ હતી, પરંતુ ત્યારબાદના મહિનાઓમાં ખાસ કરીને લઠ્ઠાકાંડ બાદ ઓગસ્ટ મહિના સુધીમાં રિન્યુઅલ અને નવી પરમિટ લેનારાની સંખ્યામાં ઊછાળો નોંધાયો હતો.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૪-૨૫માં નવા પરમિટધારકોની સંખ્યા ઘટીને ૩૯૭ થઈ ગઈ હતી, પરંતુ ૨૦૨૫-૨૬માં નવા પરમિટધારકોનો આંકડો વધીને ૯૬૧ થયો છે, જે દર્શાવે છે કે લોકોમાં લીગલ પરમિટ મેળવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અલગ અલગ કેટેગરીમાં આશરે ૫૦ હજારથી વધારે માન્ય પરમિટ ધારક છે. અમદાવાદ શહેરમાં ૧૪,૭૦૦ લિકરપરમિટ ધારકો છે. જ્યારે સુરત શહેરમાં ૯૦૦૦ અને રાજકોટમાં આશરે ૪૩૦૦ છે. જ્યારે વડોદરામાં ૩૨૦૦થી વધારે છે જ્યારે જામનગરમાં ૨૨૦૦થી વધારે છે. ગાંધીનગરમાં ૧૬૦૦ જેટલા લોકો પાસે લિકર પરમિટ છે. ગુજરાત 'ડ્રાય સ્ટેટ' હોવાથી દારૂના વેચાણ અને સેવન પર સખત પ્રતિબંધ છે. તેમ છતાં, ચોક્કસ નિયમો અને પરમિટ સિસ્ટમ દ્વારા કેટલાક લોકોને છૂટછાટ મળે છે.
૪૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને હેલ્થ પરમિટ હેઠળ દારૂ પીવા માટેની અને ખરીદી કરવા માટેની મંજૂરી છે. ગુજરાતમાં બિન નિવાસી તથા વિદેશી પ્રવાસીઓને પણ રાજ્યમાંથી દારૂ ખરીદવા અને પીવાની છૂટ છે. આ માટે પણ યોગ્ય મંજૂરી અને પરમિટ ફરજિયાત છે. પરમિટ સિસ્ટમમાં કુલ સાત પ્રકારની પરવાનગીઓ આપવામાં આવે છે. તેમાં ‘હેલ્થ પરમિટ' સૌથી જૂની અને સામાન્ય છે. ‘ટેમ્પરરી પરમિટ' ખાસ કરીને રાજ્યમાં થોડા સમય માટે આવતા લોકો માટે હોય છે જેમાં ચોક્કસ સમય મર્યાદા પૂરી થતા દારૂની કોઈ જ પ્રકારની બોટલ મળતી નથી.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
