<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

કરજણ અને સુરતમાં ગેરકાયદેસર દવાના વેચાણ સામે FDCAની લાલ આંખ : ૪ પેઢીઓ સામે કાર્યવાહી કરી રૂ. ૪૨.૬ લાખથી વધુનો જથ્થો જપ્ત કરાયો

બે પેઢીના પરવાના કાયમી ધોરણે રદ, ઓનલાઈન પ્લેટફોર્મ પર ‘આયુર્વેદિક’ના નામે એલોપેથિક દવા વેચતા તત્વો સામે પણ કડક પગલાં : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક ચીમકી

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગને અટકાવવા તથા નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA)ના કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરા અને સુરત જિલ્લામાં ગેરકાયદેસર દવાઓના સંગ્રહ અને વેચાણ સામે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સંયુક્ત કાર્યવાહીમાં કરજણ અને સુરત ખાતેની કુલ ૪ પેઢીઓ સામે કાયદેસરનાં પગલાં ભરીને અંદાજિત રૂ. ૪૨.૬ લાખથી વધુની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

કરજણમાં કફ સિરપ અને ટ્રામાડોલનો જથ્થો જપ્ત, લાઈસન્સ રદ:
મહારાષ્ટ્ર NCB પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે FDCA અને સંબંધિત તંત્ર દ્વારા વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલી મેસર્સ ચામુંડા ફાર્મા પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન NDPS એક્ટ હેઠળ આવતી ‘ANREX (Codeine)’ કફ સિરપની ૧૩,૯૩૮ બોટલો (કિંમત રૂ. ૨૭.૮૦ લાખ) અને ‘TRAMADOL’ની ૧૨,૨૪૦ ટેબ્લેટ્સ (કિંમત રૂ. ૫૦ હજાર) મળી આવી હતી. ગંભીર કાયદાકીય ઉલ્લંઘન બદલ આ પેઢીને તાત્કાલિક સીલ કરીને તેના વેચાણ પરવાના ૧ ઓક્ટોબર, ૨૦૨૬થી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.

આ સાથે જ સંકળાયેલી કરજણની મેસર્સ માજીસા મેડિકલ સ્ટોર્સ પર પણ તપાસ યોજાઈ હતી, જ્યાંથી NDPS ઘટક ધરાવતી ‘LOMOTIL’ ટેબ્લેટ્સનો જથ્થો મળ્યો હતો. રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરી અને નિયત તાપમાન માટેનું ફ્રિજ બંધ હોવા જેવી ક્ષતિઓ સામે આવતા આ પેઢીના છૂટક વેચાણના પરવાના પણ ૫ ઓક્ટોબર, ૨૦૨૬થી કાયમી ધોરણે રદ કરાયા છે.

સુરતમાં ગેરકાયદેસર ઓનલાઈન દવા વેચાણનો પર્દાફાશ:
પ્રિસ્ક્રિપ્શન વિના ઓનલાઈન દવાઓના વેચાણ સામે ૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મેસર્સ ડર્મેટીક્સ ઈન્ડિયા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. કોઈ પણ માન્ય ડ્રગ લાઈસન્સ ન હોવા છતાં પોતાની વેબસાઈટ મારફતે દવાઓનું વેચાણ કરતી આ પેઢી પાસેથી Sildenafil, Minoxidil અને Ketoconazole સહિત રૂ. ૧૧.૨૬ લાખથી વધુ કિંમતનો જથ્થો જપ્ત કરી પરીક્ષણ માટે FDL વડોદરા મોકલાયો છે.

ઉપરાંત, ૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સુરતના મોટા વરાછા સ્થિત મેસર્સ ક્યારા ઈન્ટરનેશનલ ખાતે કરાયેલી તપાસમાં 'Meesho' જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર 'Sildenafil Ayurvedic'ના નામે એલોપેથિક દવાઓ વેચવાનું કૌભાંડ સામે આવ્યું હતું. છેલ્લા એક મહિનામાં રૂ. ૩.૬૦ લાખની દવાઓનું વેચાણ થયું હોવાના પુરાવા મળ્યા છે. ભૂતકાળમાં પણ લાઈસન્સ રદ થયું હોવાથી આ પુનરાવર્તિત ઉલ્લંઘન સામે ગંભીર કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ છે.

ડિજિટલ મોનિટરિંગ અને કડક કાયદાકીય પગલાં:
આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ હોય કે ભૌતિક સ્ટોર—ગેરકાયદેસર રીતે દવાઓનું વેચાણ કરનારાઓ સામે સઘન ચેકિંગ અને કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે. ઓનલાઈન પ્લેટફોર્મ પર આવી પ્રવૃત્તિઓ અટકાવવા સાયબર સેલ અને FDCAની સંયુક્ત ટીમ દ્વારા સતત 'સિક્રેટ વોચ' અને ડિજિટલ મોનિટરિંગ કરવામાં આવશે. યુવાધનને નશાની લતથી બચાવવા માટે કાયદાકીય કડક કાર્યવાહી સાથે વ્યાપક જનજાગૃતિ અને માઈક્રો પ્લાનિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે.

(1:20 PM IST)