તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Sunday, 5th July 2026
ભીલાડ નજીકથી યુવતીના ફિલ્મી ઢબે અપહરણનો ભેદ ઉકેલાયો 3 બાળકોનો પિતા હોવા છતાં લગ્નની જીદે અપહરણકર્તા બન્યો !
પોલીસે મહારાષ્ટ્રના મીરા ભાયંદર વિસ્તારમાંથી 4 આરોપીઓને ઝડપી અપહૃત યુવતીને હેમખેમ છોડાવી તેના પરિવારને સોંપી: મુખ્ય આરોપી દેવરામ કાશીરામ સાવર પોતે પરિણીત છે અને તેને 3 બાળકો પણ છે. તે ભોગ બનનાર યુવતી સાથે બળજબરીથી લગ્ન કરવા માંગતો હતો.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ નજીકથી થોડા દિવસો પહેલા બનેલી યુવતીના અપહરણની ચોંકાવનારી ઘટનાનો વલસાડ એલસીબી પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે મહારાષ્ટ્રના મીરા ભાયંદર વિસ્તારમાંથી 4 આરોપીઓને ઝડપી પાડી અપહૃત યુવતીને હેમખેમ છોડાવી તેના પરિવારને સોંપી દીધી છે.
પીડિત યુવતી તેની બહેન સાથે કંપનીમાં નોકરી પર જઈ રહી હતી, ત્યારે અંકલાસ ગામ નજીક સિંગડપાડા રોડ પર એક અર્ટિગા કાર આવીને ઉભી રહી હતી. કારમાંથી નીચે ઉતરેલા 4 શખ્સોએ બંને બહેનોને ધમકાવી હતી અને યુવતીની બહેનને માર મારી, ભોગ બનનાર યુવતીનું બળજબરીપૂર્વક અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. દિવસના પ્રકાશમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી દેવરામ કાશીરામ સાવર પોતે પરિણીત છે અને તેને 3 બાળકો પણ છે. તે ભોગ બનનાર યુવતી સાથે બળજબરીથી લગ્ન કરવા માંગતો હતો. અગાઉ યુવતી તેના ઘરે ગઈ હતી, પરંતુ બંને વચ્ચે મનમેળ ન થતા તે પોતાના ઘરે પરત ફરી હતી. છતાં દેવરામ તેને પોતાની પાસે રાખવા માંગતો હોવાથી તેણે પોતાના 3 મિત્રો સાથે મળીને આ ગુનાહિત કૃત્ય આચર્યું હતું.
વલસાડ એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે મહારાષ્ટ્રના મીરા ભાયંદરથી આરોપીઓ: (1) દેવરામ કાશીરામ સાવર, (2) મનોજ બચુ સાદડે, (3) પ્રીતમ એકનાથ મોરે અને (4) મહેશ રમેશ દુલસાડાની ધરપકડ કરી છે. ગુનામાં વપરાયેલી અર્ટિગા કાર પણ પોલીસે કબજે કરી છે. હાલ વાપીના DySP બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ પોલીસ આરોપીઓના અન્ય ગુનાહિત ભૂતકાળની તપાસ કરી રહી છે.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
