<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

ડભોઈના મહુડી ભાગોળમાં પોલીસ જવાનો પર થયેલો જીવલેણ હુમલો:11 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ

મારામારીના બનાવમાં કાર્યવાહી કરવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીઓ દ્વારા ઈંટના ટુકડાઓ વડે જીવલેણ હુમલો થયેલો જેમાં હેડ કોન્સ્ટેબલ નવીન ઝાલા અને કોન્સ્ટેબલ શુભમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા

વડોદરા જિલ્લાના ડભોઈમાં મહુડી ભાગોળ વિસ્તારમાં ફરજ પરના પોલીસ કર્મચારીઓ પર હુમલો થયાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. સરકારી દવાખાના પાસે પોલીસ પોતાની ફરજ બજાવી રહી હતી, ત્યારે અચાનક ટોળાએ તેમના પર હુમલો કરી દીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, મારામારીના બનાવમાં કાર્યવાહી કરવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીઓ દ્વારા ઈંટના ટુકડાઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં હેડ કોન્સ્ટેબલ નવીન ઝાલા અને કોન્સ્ટેબલ શુભમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. કાર્યવાહીથી નારાજ થયેલા આરોપીઓએ પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી આ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ સમગ્ર મામલે ડભોઈ પોલીસ દ્વારા પરવેજ ઉર્ફે રાજા ગરાસીયા સહિત કુલ 11 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ પર સરકારી કામમાં રૂકાવટ અને પોલીસ પર હુમલો કરવા જેવી ગંભીર કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવનાર પોલીસ પર જ હુમલો થતા શહેરમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

(11:55 PM IST)