તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભરૂચના આમોદ પાસે ગમખ્વાર અકસ્માત: પાલનપુરના રવિયાણા ગામના એક જ પરિવારના ૩ લોકોના કરૂણમોત
પરિવાર સુરત તરફથી આવતો હતો ત્યારે માતર નજીક કાર આગળ જઈ રહેલા એક મોટા વાહન સાથે ધડાકાભેર અથડાઈ: બે મહિલાઓ અને એક પુરુષનું મોત :એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક પરિવારના ત્રણ સભ્યોના મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, પરિવાર સુરત તરફથી આવી રહ્યો હતો. રવિયાણા ગામના ચાર લોકો કિયા કારમાં સવાર હતા. દરમિયાન માતર નજીક કાર આગળ જઈ રહેલા એક મોટા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
અકસ્મતમાં કારમાં સવાર ચાર પૈકી ત્રણ લોકોના ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં કાર પૂરઝડપે દોડતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર આગળ જઈ રહેલા મોટા વાહન સાથે અથડાઈ હોવાનું માનવામાં આવે છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
અકસ્મતની જાણ થતાં આમોદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા સહિતની કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે કરજણની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્મતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિની હાલ કરજણ સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ મૃતકોના મૃતદેહોને જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે અને અકસ્માત અંગેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અકસ્માતોની વધતી ઘટનાઓને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે. પૂરઝડપે વાહન ચલાવવા સહિતના કારણો અકસ્માત પાછળ જવાબદાર બની રહ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ જરૂરી બની છે. હાલ આમોદ પોલીસે અકસ્માત અંગે આગવી કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
