<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

સાગબારાના કોડબા ગામ નજીક બાઈક અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત: મહારાષ્ટ્રના એક યુવકનું મોત

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોડબા ગામ પાસે એક્ટિવા મોપેડ અને બાઈક વચ્ચે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં મહારાષ્ટ્રના એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

ઘટનાની વિગત અનુસાર, મહારાષ્ટ્રના અક્કલકુવા તાલુકાના કાકરપાડા ગામના ઈશ્વરભાઈ અને તેમના અન્ય બે મિત્રો એક્ટિવા મોપેડ પર સવાર થઈ દેવમોગરા ખાતે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સાગબારાના કોડબા ગામ નજીક સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સાઈન મોટરસાયકલ સાથે તેમની એક્ટિવા ધડાકાભેર અથડાઈ હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા પર સવાર ઈશ્વરભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે મોપેડ પર સવાર અન્ય બે યુવકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઘટના અંગે સાગબારા પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. દર્શન કરવા જતી વેળાએ જ યુવકનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

(11:01 PM IST)