<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

૪૩-૪૪ ડિગ્રીના આકરા તાપમાં જીવના જોખમે ખેતી: પરસેવે રેબઝેબ મહિલા ખેતમજૂરોની વ્યથા, ગરમીએ છીનવી લીધી કામ કરવાની ક્ષમતા

'પેટ ભરવા માટે આકરા તાપમાં કામ કરવું જ પડે': ક્લાયમેટ ચેન્જની સૌથી વધુ અસર ગ્રામીણ મહિલાઓના સ્વાસ્થ્ય પર, ગંભીર બીમારીઓનો સામનો

બનાસકાંઠા : રાજ્યભરમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પારો ૪૩ થી ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો છે, ત્યારે ખેતરોમાં કામ કરતી મહિલા ખેતમજૂરો માટે આકરો ઉનાળો એક અસ્તિત્વની લડાઈ બની ગયો છે. બનાસકાંઠાના રસાણા ગામના જશીબહેન માળી અને રાજસ્થાનથી આવેલા પાલીબહેન જેવા અનેક મહિલા ખેતમજૂરો જીવના જોખમે ખેતરોમાં કામ કરવા મજબૂર છે. નીંદામણ કે પાકની કાપણી વખતે સતત તડકામાં રહેવાથી મહિલાઓને ચક્કર આવવા, તાવ આવવો અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે.

કામના કલાકોમાં ઘટાડો, પેટ ભરવાની મજબૂરી

ગ્લોબલ વોર્મિંગને કારણે વધતી ગરમીએ ખેતીના કામના કલાકો પર સીધો કાપ મૂક્યો છે. સવારે ૧૧-૧૨ વાગ્યા પછી ખેતરમાં ટકી રહેવું અશક્ય બની જાય છે, જેના કારણે રોજના ચાર કલાક જેટલું કામ ઘટી રહ્યું છે. જે મહિલાઓ પાસે પોતાની જમીન છે તેઓ થોડી રાહત લઈ શકે છે, પરંતુ જે ભૂમિહીન ખેતમજૂરો છે, તેમની સ્થિતિ વધુ દયનીય છે. પાલીબહેન જેવા શ્રમિકો કહે છે, "ગરમીથી શરીરમાં બળતરા થાય છે, તાવ પણ આવે છે, પણ જો કામ ન કરીએ તો પેટ કેમ ભરાય?"

આરોગ્ય પર જોખમ અને સુવિધાઓનો અભાવ

નિષ્ણાંતોના મતે, મહિલાઓમાં પાણી ઓછું પીવાની આદત અને જાહેર સ્થળોએ શૌચાલય જેવી પાયાની સુવિધાઓનો અભાવ તેમની બીમારીઓને નોતરે છે. ડીસાના ડૉ. જિજ્ઞેશકુમાર હરિયાણી જણાવે છે કે, આકરા તાપમાં લાંબો સમય રહેવાથી મહિલાઓમાં 'ઉનવા' (પેશાબમાં બળતરા), બ્લડપ્રેશરની વધઘટ અને ડિહાઇડ્રેશનના કેસો વધ્યા છે. ખાસ કરીને પરંપરાગત ઘરેણાં પહેરતી મહિલાઓ માટે ગરમી સહન કરવી વધુ મુશ્કેલ બની જાય છે. એમ.એસ. સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશનના રિપોર્ટ મુજબ, ૭૦ ટકા મહિલાઓ ગરમીને કારણે થાક અને નબળાઈ અનુભવે છે.

અસ્તિત્વની લડાઈ બની પ્રકૃતિનો મિજાજ

આબોહવા પરિવર્તનની અસર પુરુષો કરતાં મહિલાઓની આવક અને સ્વાસ્થ્ય પર વધુ પડી રહી છે. એક અંદાજ મુજબ, સરેરાશ તાપમાનમાં માત્ર ૧ ડિગ્રીનો વધારો પણ મહિલાઓની આવકમાં ૩૪ ટકા સુધીનો ઘટાડો લાવી શકે છે. ખેતી જેવી આર્થિક પ્રવૃત્તિમાં મહિલાઓનો મોટો ફાળો હોવા છતાં, તેમનો સંઘર્ષ ઘણીવાર નોંધાતો નથી. આકરો તાપ અને કામની મજબૂરી વચ્ચે આ મહિલાઓ ગ્રામીણ અર્થતંત્રના પાયા તરીકે લડાઈ લડી રહી છે, પરંતુ પ્રકૃતિનો બદલાતો મિજાજ તેમની સામે રોજિંદા જીવન માટે મોટું સંકટ બનીને ઊભો છે.

(11:45 PM IST)