<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો ૩૧ ઓક્ટોબર સુધી 'કપાસ કિસાન' એપ પર નોંધણી કરાવી શકશે

લંબતારી કપાસ રૂ. ૮,૬૬૭ અને મધ્યમ તારી કપાસ રૂ. ૮,૨૬૭ પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવે ખરીદાશે : મહત્તમ લાભ લેવા ખેતી નિયામકની કચેરીની અપીલ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ખેડૂતોને તેમની ઉપજના પૂરતા અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭માં ટેકાના ભાવે કપાસ પાકની ખરીદી માટેની નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યના કપાસ પકવતા ખેડૂતો આગામી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) ની “કપાસ કિસાન” મોબાઇલ એપ્લિકેશન પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે.

ભારત સરકાર દ્વારા ચાલુ ખરીફ વર્ષ ૨૦૨૬-૨૭ માટે જાહેર કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવ (MSP) મુજબ, લંબતારી કપાસ માટે રૂ. ૮,૬૬૭ પ્રતિ ક્વિન્ટલ તથા મધ્યમ તારી કપાસ માટે રૂ. ૮,૨૬૭ પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરવામાં આવ્યો છે.

"કપાસ કિસાન" એપ પર નોંધણી કરાવવાથી ખેડૂતોને ટેકાના ભાવ હેઠળની ખરીદી સેવાઓ, ખરીદી કેન્દ્રોની વિગતો અને અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવવામાં સરળતા રહેશે. ખરીદી કેન્દ્રો અને MSP અંગેની વધુ વિગતો માટે CCI ની સત્તાવાર વેબસાઇટ www.cotcorp.org.in ની મુલાકાત લઈ શકાય છે. આ ઉપરાંત નોંધણી સંબંધિત સહાય માટે ખેડૂતો માટે વોટ્સએપ નંબર +91 9428237246 પણ જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્યની ખેતી નિયામકની કચેરી દ્વારા તમામ કપાસ પકવતા ખેડૂતોને નિયત સમયમર્યાદામાં 'કપાસ કિસાન' એપ પર નોંધણી કરાવીને ટેકાના ભાવે વેચાણનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(2:58 PM IST)