<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ખેડૂતોને જમીનના પૂરતા ભાવ મળશેઃ બિલ્‍ડરોને પણ ફાયદો

મહેસૂલનો વટહુકમઃ શહેરોમાં આવી ગયેલી જમીન ‘એનએ' થઇ શકશેઃ ટુકડા ધારામાં સુધારાથી

અમદાવાદ,તા.૧૮: મહેસૂલ વિભાગ દ્વારા વર્ષો જૂના ટુકડા ધારાના કાયદામાં અનેક સુધારા કરતો મહત્‍વનો વટહુકમ જારી કરાયો છે. તેના કારણે શહેરી વિસ્‍તારોનો વ્‍યાપ વધતા જે જમીનો ટુકડા ધારા હેઠળ આવી ગઇ હતી અને તેને બિન ખેતી કરાવવામાં ભારે મુશ્‍કેલી પડતી હતી તે સરળ થઇ જતા સેંકડો ખેડૂતોને રાહત મળવા સાથે રિયલ એસ્‍ટેટ ક્ષેત્રને પણ મોટો ફાયદો થશે.

૧૯૪૭નો મૂળ કાયદો ખેતીની જમીનના નાના ટુકડા થતા અટકાવવા માટે હતો પરંતુ રાજ્‍યમાં છેલ્‍લા કેટલાક વર્ષોથી શહેરીકરણ વધતા નગરપાલિકા અને મહાનગરોની હદ વધી જતા અનેક ખેતીની જમીન પણ રહેણાંક, વાણિજ્‍યિક કે ઔદ્યોગિક ઝોનમાં ડેવલપમેન્‍ટ પ્‍લાન હેઠળ આવી ગઇ છે. તેના કારણે ખેતીની જમીન બિન ખેતી જેવી થઇ ગઇ હતી. આવી જમીનો પર બાંધકામથી ટુકડા ધારાનો ભંગ લાગુ થતો હતો.

બિન-ખેતી (એનએ) કરાવવામાં પણ તેના માલિકોને કાયદાકીય સહિતની મુશ્‍કેલી આવતી હતી. આ સુધારાથી ખેડૂતોને તેમની જમીનનો યોગ્‍ય ભાવ પણ મળી શકશે. આવી જમીનો કાયદેસરની થઇ જતા ડેવલપર્સને પણ ફાયદો થશે અને તેમના પ્રોજેક્‍ટ ઝડપથી આગળ વધી શકશે. એટલું જ નહીં જમીનના વિવાદો અને સહિતના કેસોનો પણ નિકાલ આવશે. 

વટહુકમ થકી મળેલી સત્તાના કારણે રાજ્‍ય સરકાર જાહેરનામુ પ્રસિદ્ધ કરીને કોઇપણ સ્‍થાનિક વિસ્‍તારમાં કોઇપણ વર્ગની જમીન માટે સ્‍ટાન્‍ડર્ડ એરિયા પણ જાહેર કરી શકશે. ભૂતકાળમાં થયેલા જમીનના ટુકડાઓને સરકાર કોઇપણ જાતના દંડ કે પ્રીમિયમ વિના નિયમિત પણ કરી શકશે. તે સાથે ૩૧ માર્ચ-૨૦૨૬ પહેલાના તમામ ટુકડા ધારાના કાયદા વિરુદ્ધ થયેલા જમીનના તમામ વેચાણ કે ભાગલા પણ હવે કાયદેસરના ગણાશે. સક્ષમ મહેસૂલી સત્તાધિકારી સમક્ષ તેને લગતી જે કાર્યવાહી કે પડતર કેસ હશે તે પણ હવે રદ ગણી શકાશે. 

(10:36 AM IST)