તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
સાબરકાંઠાના ખેડૂતો ખાતરની ઓનલાઇન નોંધણીથી હેરાન-પરેશાન: મોબાઇલ-ઇન્ટરનેટની માથાકૂટથી પાક વાવેતર અટક્યું : ઉગ્ર આંદોલનની ચીમકી
વૃદ્ધ ખેડૂતોને ડિજિટલ પ્રક્રિયા સમજાતી નથી, સર્વર ડાઉન અને OTPની સમસ્યાથી લાંબી કતારો, આંદોલનકારીઓએ કહ્યું "ઓફલાઇન વિકલ્પ આપો નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું"

સાબરકાંઠા તા.૧૭ : રવિ સિઝનના વાવેતરને આડે દિવસો ગણાતા હોવા છતાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ખાતર માટે હાલાકી વેઠી રહ્યા છે. સરકાર દ્વારા ખાતર માટે ફરજિયાત કરાયેલી ઓનલાઇન નોંધણી પ્રક્રિયાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. મોબાઇલ, ઇન્ટરનેટ અને OTPની માથાકૂટમાં ફસાયેલા ખેડૂતોએ તંત્ર સામે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.
સહકારી મંડળી અને સેવા સહકારી મંડળીઓની બહાર ખેડૂતોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. તસવીરમાં પણ સ્પષ્ટ દેખાય છે તેમ વૃદ્ધથી લઈને યુવાન ખેડૂતો હાથમાં મોબાઇલ લઈને બેઠા છે. આધાર કાર્ડ, મોબાઇલ અને OTP વેરિફિકેશનની પ્રક્રિયામાં વારંવાર સર્વર ડાઉન થઈ જાય છે. ઘણા ખેડૂતોને સ્માર્ટફોન ચલાવતા આવડતું નથી, તો કેટલાકના મોબાઇલ નંબર આધાર સાથે લિંક નથી. પરિણામે કલાકો સુધી બેસવા છતાં નોંધણી પૂર્ણ થતી નથી.
ખેડૂતોનું કહેવું છે કે વાવણીની સિઝન માથે છે અને ખાતર વિના વાવેતર શક્ય નથી. પરંતુ ઓનલાઇન નોંધણીની જટિલ પ્રક્રિયાને કારણે તેઓ ખાતર લઈ શકતા નથી. "અમે ખેતરમાં કામ કરનારા માણસો છીએ, કોમ્પ્યુટર ઓપરેટર નથી. આટલી બધી ટેકનિકલ પ્રક્રિયા અમારાથી થતી નથી" તેવી લાગણી એક વૃદ્ધ ખેડૂતે વ્યક્ત કરી હતી
ખેડૂત આગેવાનોએ ચીમકી આપી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક ઓફલાઇન વિકલ્પ શરૂ નહીં કરવામાં આવે અને પ્રક્રિયા સરળ નહીં બનાવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. તેમણે માંગ કરી છે કે જૂની પદ્ધતિ મુજબ ખાતા-બારાખડી અને આધાર કાર્ડના આધારે ખાતરનું વિતરણ શરૂ કરવામાં આવે.
સરકારે પારદર્શિતા અને કાળાબજારી રોકવા માટે ઓનલાઇન નોંધણી ફરજિયાત કરી છે. પરંતુ જમીન સ્તરે તેના અમલીકરણમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓને કારણે આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે. હવે તંત્ર ખેડૂતોની માંગને કેવી રીતે સંતોષે છે તેના પર સૌની નજર છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
