<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠાને લઈને ખેડૂતોમાં આક્રોશ: 200 લિટરના પરિપત્રથી ભારે નારાજ

ખેતી અને ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને આ અન્યાયી પરિપત્રમાં તાત્કાલિક સુધારો કરવામાં આવે. વાવણીની સિઝન બગડે નહીં તે માટે ડીઝલ ખરીદીની મર્યાદા વધારવામાં આવે

બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠાને લઈને ખેડૂતોમાં તીવ્ર આક્રોશ ફેલાયો છે. પુરવઠા વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક પરિપત્ર મુજબ ખેડૂતોને વધુમાં વધુ માત્ર 200 લીટર ડીઝલ આપવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આ અચાનક લીધેલા નિર્ણયના કારણે જગતના તાતમાં ભારે અસંતોષની લાગણી જન્મી છે.

 

ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે વર્તમાન સમયમાં ખેતીકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે ટ્રેક્ટર, પંપસેટ અને અન્ય આધુનિક કૃષિ સાધનો ચલાવવા માટે 200 લીટર ડીઝલ અત્યંત ઓછું પડે છે. ખાસ કરીને મોટા ખેતરો ધરાવતા અને વ્યાપક સ્તરે વાવણી કરતા ખેડૂતો માટે આ મર્યાદા આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહી છે.

 

હાલના દિવસોમાં વાવણી અને ખેતીની અન્ય મહત્વની કામગીરી ખૂબ જ તેજ ગતિએ આગળ વધી રહી છે. આવી કટોકટીની સ્થિતિમાં ઓછી માત્રામાં મળતા ડીઝલને કારણે ખેડૂતોને વારંવાર પેટ્રોલ પંપના ધક્કા ખાવા પડી રહ્યા છે. આ મર્યાદાને લીધે ખેડૂતોનો કિંમતી સમય બગડી રહ્યો છે અને ખેતીકામ ખોરંભે પડવાની ભીતિ સેવાઈ રહી છે.

 

સરકાર સમક્ષ મર્યાદા વધારવાની માંગ

સમગ્ર જિલ્લાના ખેડૂતોએ એકસૂરે સરકાર સમક્ષ ઉગ્ર માંગણી કરી છે કે ખેતી અને ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને આ અન્યાયી પરિપત્રમાં તાત્કાલિક સુધારો કરવામાં આવે. વાવણીની સિઝન બગડે નહીં તે માટે ડીઝલ ખરીદીની મર્યાદા વધારવામાં આવે અને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

(1:09 PM IST)