News of Monday, 18th May 2026
યુરિયા માટે ખેડૂત રસ્તા પર: દેડિયાપાડામાં વહેલી સવારથી લાંબી કતારો
યુરિયા માટે આદિવાસી ખેડૂતોની દોડધામ, વ્યવસ્થાના દાવા પોકળ :દેડિયાપાડા-ચિકદામાં યુરિયા સંકટ ગહેરાયું, ખેડૂત ત્રાહિમામ

(ભરત શાહ દ્વારા ) નર્મદા: દેડિયાપાડા તેમજ ચિકદા તાલુકામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેતી માટે જરૂરી યુરિયા ખાતર મેળવવા ખેડૂતોને વહેલી સવારથી જ લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. અનેક ખેડૂતો સવારે પાંચ વાગ્યાથી જ ખાતર વિક્રેતાની દુકાનો બહાર પહોંચી જાય છે, છતાં દિવસભર રાહ જો્યા બાદ પણ ઘણા ખેડૂતોને ખાતર મળતું નથી અને નિરાશ થઈ ઘરે પરત ફરવું પડે છે.
દેડિયાપાડા ખાતે રાસાયણિક ખાતર વિક્રેતાની દુકાને યુરિયા લેવા માટે આદિવાસી ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. દેડિયાપાડા અને ચિકદા તાલુકાના અનેક ગામો માંથી ખેડૂતો યુરિયા ખાતર લેવા ઉમટી પડ્યા હતા. ઉનાળું લીલા મગ, મકાઈ, શાકભાજી તેમજ પશુઓ માટેના ઘાસચારા જેવા પાકોમાં યુરિયા ખાતર ખૂબ જ જરૂરી હોવા છતાં પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ ન હોવાને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે.
ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવતો નથી, જેના કારણે દરરોજ મુશ્કેલીઓ વધી રહી છે. સાથે જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે ભવિષ્યમાં ખાતરની વધુ અછત સર્જાશે તેવી ભીતિ પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે.
ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સરકાર તાત્કાલિક પૂરતો યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવે તેમજ ખાતર વિતરણ માટે યોગ્ય અને પારદર્શક વ્યવસ્થા ઉભી કરે, જેથી ખેડૂતોને હાલાકી ન ભોગવવી પડે
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
