તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી ઐતિહાસિક નિર્ણય : ટ્રાન્સમિશન લાઈન કે ટાવર ઊભા કરવાથી જમીન, પાક અને વૃક્ષોને થતા નુકશાન વળતર માટેની નવી સંકલિત અદ્યતન માર્ગદર્શિકા જાહેર
ટાવર બેઝ વિસ્તાર માટે બજાર કિંમતના ૨૦૦% વળતર ચૂકવાશે, ગ્રામ્ય વિસ્તારમાં રાઈટ ઓફ વે કોરિડોર માટે ૩૦%, નગરપાલિકામાં ૪૫% અને મહાનગરપાલિકા વિસ્તારોમાં ૬૦% વળતર આપવાનો ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો મહત્વનો ઠરાવ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતોના હિતોને ધ્યાને લઈને એક મહત્વપૂર્ણ ઠરાવ ક્રમાંક ઈપીસીડી/ઈએલએ/ઈ-ફાઈલ/૨૦/૨૦૨૩/૧૧૭૩/ક પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ટ્રાન્સમિશન લાઈન અથવા ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતો અને જમીનમાલિકોની જમીન, પાક, ફળાવ ઝાડ અને અન્ય વૃક્ષોને થતા નુકશાનના વળતર અંગે અગાઉના તમામ ઠરાવોને અધિક્રમિત કરીને એક સંકલિત અદ્યતન માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ભારતીય વિદ્યુત અધિનિયમ-૨૦૦૩ અને ભારતીય ટેલિગ્રાફ એક્ટ, ૧૮૮૫ની જોગવાઈઓ હેઠળ અસરગ્રસ્તોને ન્યાયી વળતર આપી સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને ગતિશીલ બનાવવાનો આ ઠરાવનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
ટાવર બેઝ માટે બે ગણું વળતર મળશે:
નવી માર્ગદર્શિકા અનુસાર, ટ્રાન્સમિશન ટાવર અથવા માળખાના સ્થાપનને કારણે ટાવરના ચાર પાયા વચ્ચેના ભાગની જમીનના નુકશાન પેટે માર્કેટ રેટ કમિટી દ્વારા નિર્ધારિત બજાર કિંમતના ૨૦૦% એટલે કે બે ગણા જેટલું વળતર ચૂકવવાનું રહેશે. આ વળતરની ગણતરી કરતી વખતે ટાવરના વાસ્તવિક વિસ્તાર ઉપરાંત દરેક બાજુ ૧ મીટરનું વધારાનું વિસ્તરણ ધ્યાને લેવામાં આવશે.
રાઈટ ઓફ વે (RoW) કોરિડોર વળતરની વિગતો:
જમીનમાલિકની જમીન ઉપરથી પસાર થતી ટ્રાન્સમિશન લાઈનની પહોળાઈ અને લંબાઈના આધારે બજાર કિંમત ધ્યાને લઈ વળતર ચૂકવાશે:
ગ્રામ્ય વિસ્તારોમાં: જમીનની કિંમતના ૩૦%.
નગરપાલિકાઓ, નગર પંચાયતો અને શહેરી આયોજન વિસ્તારોમાં: જમીનની કિંમતના ૪૫%.
મહાનગરપાલિકાઓ અને મેટ્રોપોલિટન વિસ્તારો માટે: જમીનની કિંમતના ૬૦%.
ઠરાવમાં ઝૂલતા વીજ રેષાના વોલ્ટેજ અનુસાર કોરિડોરની પહોળાઈ પણ નક્કી કરાઈ છે, જેમાં ૬૬ કેવી માટે ૧૮ મીટરથી લઈને ૧૨૦૦ કેવી માટે ૮૯ મીટર સુધીની પહોળાઈ ધ્યાને લેવાશે.
ફળાવ ઝાડ, પાક નુકશાન અને કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી:
ફળાવ ઝાડ અને અન્ય વૃક્ષોના નુકશાન પેટે મહેસૂલ વિભાગના પરિપત્રોના આધારે ચૂકવણી થશે. જ્યારે પાકના વળતર માટે એપીએમસી (APMC) એ નક્કી કરેલા દરો લાગુ પડશે, જે સરપંચ, તલાટી કે મામલતદારે પ્રમાણિત કરવાના રહેશે. બજાર ભાવ નક્કી કરવા માટે દરેક જિલ્લા કક્ષાએ 'માર્કેટ રેટ કમિટી' (MRC) ની રચના કરવામાં આવી છે, જેમાં જિલ્લા કલેક્ટર ચેરમેન રહેશે, જ્યારે જમીનમાલિકોના પ્રતિનિધિ અને ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડર (TSP) ના પ્રતિનિધિ સભ્ય તરીકે રહેશે. કલેક્ટર જરૂરિયાત મુજબ મહત્તમ વધારાના બે સભ્યોની નિમણૂક કરી શકશે.
જમીન મૂલ્યાંકનની પારદર્શક પદ્ધતિ અને ચૂકવણી:
જમીન મૂલ્યાંકન માટે આઈબીબીઆઈ (IBBI) દ્વારા માન્યતા પ્રાપ્ત ત્રણ સ્વતંત્ર જમીન મૂલ્યાંકનકારોની નિમણૂક કરવામાં આવશે, જેઓ ૨૧ દિવસમાં સીલબંધ રિપોર્ટ આપશે. જિલ્લા કલેક્ટર લોટરી સિસ્ટમ દ્વારા યાદચ્છિક રીતે બે રિપોર્ટ ખોલીને બજાર દર નક્કી કરશે. ટીએસપી (TSP) દ્વારા વળતર નિર્ધારણ માટે અરજી કર્યાના એક મહિનાની અંદર પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. જમીન માલિકને ચૂકવવાપાત્ર વળતર એકસાથે અને કામગીરી શરૂ કરતાં પહેલાં અગાઉથી ડિજિટલ બેંકિંગ, આરટીજીએસ (RTGS) કે નેફ્ટ (NEFT) દ્વારા સીધા જ ખાતામાં જમા કરવાનું રહેશે.
અમલીકરણ અને અન્ય મહત્વની શરતો:
આ ઠરાવ રાજ્યમાં નાંખવામાં આવનારી અને હાલ પ્રગતિમાં હોય તેવી તમામ ૬૬ કેવી અને તેથી વધુ વીજભાર ધરાવતી લાઈનો માટે સમાન રીતે લાગુ પડશે. વળતર ચૂકવતી વખતે પરિશિષ્ટ-અ મુજબ લેખિત બાંહેધરી લેવાની રહેશે. જમીનની માલિકી ૭/૧૨ ના ઉતારાના આધારે નક્કી થશે અને સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં પરિશિષ્ટ-બ મુજબ સંમતિપત્રક આપવાનું રહેશે. એકવાર વળતર ચૂકવાયા બાદ જમીન માલિકનું નામ બદલાશે તો નવા માલિકને પુનઃ વળતર મળશે નહીં.
જો લાઈન સરકારી પડતર કે ખરાબાની જમીનમાંથી પસાર થતી હોય, તો સરકારી સંસ્થાઓને જમીનની બજાર કિંમતના દસ ટકા લેખે રકમ સરકારમાં જમા કરાવવાની રહેશે, પરંતુ તેના ભોગવટેદારને કોઈ વળતર મળશે નહીં. વળતરનો તમામ ખર્ચ જે તે ટ્રાન્સમિશન કંપનીએ પોતાના સ્વભંડોળમાંથી ભોગવવાનો રહેશે અને રાજ્ય સરકાર તરફથી કોઈ અનુદાન મળશે નહીં. લાઈનનો રૂટ નક્કી કરતી વખતે ખેતીની જમીનમાંથી લાઈન ઓછામાં ઓછી પસાર થાય તેની તકેદારી રાખવાની રહેશે. નાણાં વિભાગ, મહેસૂલ વિભાગ અને કૃષિ વિભાગની સૈદ્ધાંતિક મંજૂરી અન્વયે સંયુક્ત સચિવ આશિષ વાળા દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
