<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

બનાસકાંઠાના દિયોદરના રૈયા ગામે પરિવાર પર જીવલેણ હુમલો: સાસરિયા પક્ષ પર યુવતીના અપહરણનો આરોપ

પોલીસ દ્વારા અજાણી કાર અને આરોપીઓને પકડી પાડવા માટે નાકાબંધી સહિતના પ્રયાસો:શું આ ઘટના પાછળ કોઈ જૂની અદાવત કે અન્ય કારણો છે, તે અંગે પોલીસ દ્વારા તપાસ

બનાસકાંઠાના દિયોદર પંથકના રૈયા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. આ હુમલામાં માતા અને પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની વિગતો મુજબ, કેટલાક શખ્સો દ્વારા એકાએક હુમલો કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન એક યુવતીનું અપહરણ કરી તેને અજાણી કારમાં બેસાડીને લઈ જવામાં આવી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. પરિવારજનોએ સીધો આક્ષેપ કર્યો છે કે, સાસરિયા પક્ષના લોકો આ હુમલા અને અપહરણ પાછળ જવાબદાર છે.

અપહરણના આ મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પરિવારના સભ્યોએ પોલીસમાં કરેલી ફરિયાદના આધારે તપાસની દિશા નક્કી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અજાણી કાર અને આરોપીઓને પકડી પાડવા માટે નાકાબંધી સહિતના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. શું આ ઘટના પાછળ કોઈ જૂની અદાવત કે અન્ય કારણો છે, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

(11:58 PM IST)