<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

મુસ્‍લિમ કાયદામાં ‘મુબારાત' કરાર દ્વારા સંમતિથી છૂટાછેડા સ્‍વીકારવા ફેમિલી કોર્ટ બંધાયેલીઃ HC

દંપતીના કેસમાં ફેમિલી કોર્ટનો આદેશ રદ, લગ્નવિચ્‍છેદની ઘોષણા

અમદાવાદ,તા.૨૪: હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્‍વપૂર્ણ અવલોકન કરતાં સ્‍પષ્ટ કર્યું છે કે જ્‍યારે મુસ્‍લિમ દંપતી શરિયત કાયદા હેઠળ ‘મુબારાત' કરાર દ્વારા પરસ્‍પર સંમતિથી લગ્ન સંબંધ તોડી નાખે છે, ત્‍યારે ફેમિલી કોર્ટો આ કરારને સ્‍વીકારવા અને તે મુજબ લગ્ન વિચ્‍છેદની જાહેરાત કરવા માટે કાયદાકીય રીતે બંધાયેલી છે. જાસ્‍ટિસ ઈલેશ જે. વોરા અને જાસ્‍ટિસ આર.ટી. વછરાણીની ખંડપીઠે આ ચુકાદો આપતાં નીચલી અદાલતોના વલણ સામે નારાજગી વ્‍યક્‍ત કરી હતી.આ સમગ્ર મામલો પતિની અપીલ સાથે જોડાયેલો હતો. દંપતીએ ૨૦૧૫માં અમદાવાદ ખાતે શરિયત કાયદા મુજબ લગ્ન કર્યા હતા, પરંતુ ત્‍યારબાદ પરસ્‍પર મતભેદોને કારણે બંનેએ ૧૧ માર્ચ, ૨૦૨૪ના રોજ એક સમજૂતી કરાર કર્યો હતો. આ કરાર મુજબ, પત્‍નીએ ભરણપોષણનો હક જતો કર્યો હતો અને સંતાનની જવાબદારી પત્‍નીની રહેશે તેવું નક્કી કરાયું હતું. પતિએ ફેમિલી કોર્ટમાં આ વૈવાહિક દરજ્‍જા અંગે ઘોષણા મેળવવા માટે અરજી કરતા પત્‍નીએ પણ હાજર રહીને સંમતિ આપી હતી.

જોકે, ફેમિલી કોર્ટે આ અરજીને ફગાવી હતી. કોર્ટે એવી દલીલ કરી હતી કે જ્‍યારે પતિને તેના કાયદાકીય અધિકારોથી કોઈએ વંચિત નથી રાખ્‍યા, તો કોર્ટ પાસે આવી ઘોષણા કરાવવાની જરૂર નથી. આ આદેશ સામે પતિએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ખંડપીઠે નોંધ્‍યું હતું કે 'મુબારાત' એ પરસ્‍પર સંમતિથી થતા છૂટાછેડાનો એક પ્રકાર છે, જે શરિયત કાયદા હેઠળ સંપૂર્ણ માન્‍ય છે અને તેને ડિસોલ્‍યુશન ઓફ મુસ્‍લિમ મેરેજીસ એક્‍ટ અસર કરતો નથી. હાઈકોર્ટે સ્‍પષ્ટ કર્યું કે ફેમિલી કોર્ટ એક્‍ટની કલમ-૭ હેઠળ ફેમિલી કોર્ટને લગ્નની માન્‍યતા કે કોઈ વ્‍યક્‍તિના વૈવાહિક દરજ્‍જા અંગે ઘોષણા કરવાની સત્તા અપાઈ છે. કોર્ટે હાઈકોર્ટે વધુમાં જણાવ્‍યું હતું કે જ્‍યારે પક્ષકારો વચ્‍ચે મુબારાત હેઠળ લગ્ન વિચ્‍છેદ થઈ ચૂક્‍યા હોય, ત્‍યારે ફેમિલી કોર્ટે માત્ર તેને કાયદાકીય માન્‍યતા આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહે છે. આ સાથે જ હાઈકોર્ટે નીચલી અદાલતનો આદેશ રદ કરી, દંપતીના લગ્ન મુબારાત કરારની તારીખથી વિચ્‍છેદ થયા હોવાની ઘોષણા કરી હતી.

(10:13 AM IST)