News of Sunday, 26th July 2026
પોતાના નામે ચાલતી નકલી સોશિયલ મીડિયા ચેનલો અને ફેક વીડિયોથી ભડક્યા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ : યુઝર્સને આપી કડક ચેતવણી
યુટ્યુબ-ફેસબુક પર અંબાલાલ પટેલના નામે ચાલી રહી છે અનધિકૃત ચેનલો, ખોટી આગાહીના વીડિયો વાયરલ, હવામાન નિષ્ણાતે કહ્યું - મારો આવી કોઈ ચેનલ સાથે સંબંધ નથી, સાવધાન રહો

અમદાવાદ તા.૨૬ : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સોશિયલ મીડિયા પર પોતાના નામે ચાલી રહેલી નકલી પ્રવૃત્તિઓથી ખૂબ જ નારાજ થયા છે. છેલ્લા કેટલાક દિવસથી યુટ્યુબ, ફેસબુક અને વોટ્સએપ પર તેમના નામ અને ફોટાનો ઉપયોગ કરીને ખોટી વરસાદની આગાહીવાળા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે તેમના નામે અનેક ફેક ચેનલો બનાવવામાં આવી છે. આ ચેનલો પરથી તેમના જૂના વીડિયોને એડિટ કરીને અથવા AI નો ઉપયોગ કરીને નવી ખોટી આગાહીના વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. આવા વીડિયોને કારણે લોકોમાં ગેરસમજ અને ગભરાટ ફેલાઈ રહ્યો છે. અંબાલાલ પટેલે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે,
"મારી ઓફિશિયલ કોઈ યુટ્યુબ ચેનલ કે ફેસબુક પેજ નથી. મારા નામે જે પણ ચેનલો ચાલી રહી છે તે બધી નકલી છે. હું કોઈને પણ પૈસાની માંગણી કરતો નથી કે કોઈ પ્રોડક્ટનું પ્રમોશન કરતો નથી."
તેમણે લોકોને અપીલ કરી કે તેઓ આવી નકલી ચેનલોને સબ્સ્ક્રાઇબ ન કરે અને તેના પર વિશ્વાસ ન કરે. જો કોઈ આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બને તો તાત્કાલિક સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવે.
હવામાનની સાચી માહિતી માટે ફક્ત IMD અને સરકારી સૂત્રો પર જ વિશ્વાસ કરો. અંબાલાલ પટેલના નામે આવતા કોઈપણ વીડિયોને શેર કરતા પહેલા તેની સત્યતા ચકાસો. કોઈપણ પ્રકારની આર્થિક વ્યવહાર કે લિંક પર ક્લિક કરતા પહેલા સાવધાન રહો.
હાલમાં તંત્ર પણ આ પ્રકારની નકલી ચેનલો સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
