<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

આણંદમાં નકલી IAS અધિકારી બની નાયબ મામલતદારની નોકરી અપાવવાના બહાને ₹7.70 લાખ પડાવનાર રોનક ક્રિશ્ચિયન ઝડપાયો

આરોપી પાસેથી બનાવટી IAS ID કાર્ડ, લેપટોપ, પ્રિન્ટર અને બોગસ સરકારી દસ્તાવેજો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી

આણંદ:શહેરમાંથી સરકારી નોકરીના વાંછુકો સાથે છેતરપિંડી આચરતા એક મોટા ભેજાબાજનો પર્દાફાશ થયો છે. ખુદને કલાસ-1 સનદી અધિકારી એટલે કે આઈએએસ ગણાવી યુવાનોને સરકારી નોકરી અપાવવાની લાલચે લાખો રૂપિયા પડાવનાર શખ્સને આણંદ પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે.

આરોપીએ બનાવટી આઈડી કાર્ડ બતાવી નાયબ મામલતદારની નોકરીની લાલચ આપી એક યુવક પાસેથી ₹7.70 લાખ પડાવી લીધા હતા. આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

 

 

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી નિરજકુમાર પટેલને સરકારી નોકરી મેળવવાની જરૂરિયાત હતી. આ દરમિયાન તેમનો સંપર્ક રોનકભાઈ ક્રિશ્ચિયન નામના શખ્સ સાથે થયો હતો. આરોપી રોનકે પોતાની ઓળખ ભારત સરકારના ઉચ્ચ આઈએએસ (IAS) અધિકારી તરીકે આપી હતી. સામેવાળી વ્યક્તિને કોઈ શંકા ન જાય તે માટે તેણે ભારત સરકારના લોગોવાળું બનાવટી આઈએએસનું ઓળખકાર્ડ બતાવ્યું હતું. ઉચ્ચ વહીવટી હોદ્દાનો પ્રભાવ પાડી તેણે નિરજકુમારને મહેસૂલ વિભાગમાં વર્ગ-3 નાયબ મામલતદારની કાયમી સરકારી નોકરી અપાવી દેવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા.

 

 

સરકારી નોકરીની પ્રક્રિયા અને સેટિંગના બહાને આરોપી રોનક ક્રિશ્ચિયને નિરજકુમાર પટેલ પાસેથી ટુકડે-ટુકડે કુલ 7,70,000 રૂપિયાની માતબર રકમ પડાવી લીધી હતી. લાંબો સમય વીતી જવા છતાં નોકરીનો કોઈ ઓર્ડર ન મળતાં તેમજ રોનકના વર્તન પર શંકા જતાં ફરિયાદીએ પોતાના નાણાં પરત માંગ્યા હતા. જોકે, આરોપી ઉડાઉ જવાબો આપવા લાગ્યો હતો અને પોતે સાચો અધિકારી ન હોવાનું બહાર આવતાં નિરજકુમાર પટેલે આખરે આણંદ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો બનાવ્યા અંગેની સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

 

ફરિયાદ મળતાં જ આણંદ પોલીસે છટકું ગોઠવી આરોપી રોનકભાઈ ક્રિશ્ચિયનની ધરપકડ કરી લીધી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીના રહેઠાણ અને ઠેકાણા પરથી ગુનાહિત સામગ્રી કબજે કરવામાં આવી છે, જેમાં એક લેપટોપ, પ્રિન્ટર તેમજ સરકારી વિભાગોના બનાવટી દસ્તાવેજો અને ખોટા આઈડી કાર્ડ મળી આવ્યા હતા.

આ સાધનોનો ઉપયોગ તે નકલી સહી-સિક્કા અને બનાવટી ઓર્ડર તૈયાર કરવા માટે કરતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તમામ સામગ્રી જપ્ત કરી આરોપીએ અન્ય કેટલા બેરોજગાર યુવાનોને પોતાની જાળમાં ફસાવી નાણાં પડાવ્યા છે તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી છે.

(8:00 PM IST)