તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
ગૂગલ પરથી મળેલો ફેક કસ્ટમર કેર નંબર પડ્યો ભારે: PhonePeના ₹૫,૫૦૦ ના રિફંડની લાલચમાં વડોદરાના નિવૃત્ત અધિકારીએ ₹૮૧,૩૬૦ ગુમાવ્યા
સિનિયર સેક્શન એન્જિનિયરને રિફંડની જાળમાં ફસાવી સાયબર ઠગોએ UPI PIN નંખાવી SBI એકાઉન્ટમાંથી બારોબાર રકમ ઉપાડી લીધી.

વડોદરા : વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા અને રેલવેના નિવૃત્ત સિનિયર સેક્શન એન્જિનિયર ગૂગલ પરથી મેળવેલા બોગસ કસ્ટમર કેર નંબરના લીધે સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. PhonePe પર ફેલ થયેલા રૂ. ૫,૫૦૦ના ટ્રાન્ઝેક્શનનું રિફંડ મેળવવાની પ્રક્રિયા દરમિયાન સાયબર ચાંચિયાઓએ ચાલાકીપૂર્વક તેમના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના પેન્શન ખાતામાંથી રૂ. ૮૧,૩૬૦ની રકમ ઉપાડી લીધી હતી. આ બનાવ અંગે પીડિત નિવૃત્ત અધિકારીએ સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો અનુસાર, ગોરવા પંચવટી વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય સમદનૂર નુરૂલહસન ખાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પેન્શન ખાતું ધરાવે છે. ૨૩ સપ્ટેમ્બરના રોજ બપોરે તેમણે ફોનપે મારફતે કરેલું રૂ. ૫,૫૦૦નું ટ્રાન્ઝેક્શન ફેલ થયું હતું, પરંતુ તેમના બેંક એકાઉન્ટમાંથી રકમ કપાઈ ગઈ હતી. આ અંગે તેમણે બેંકની છાણી શાખા ખાતે સંપર્ક કરતાં બેંક કર્મચારીએ તેમને UPI સંબંધિત સત્તાવાર કસ્ટમર કેરમાં ફરિયાદ નોંધાવવા માટે સલાહ આપી હતી.
ઘરે પરત આવ્યા બાદ નિવૃત્ત એન્જિનિયરે ગૂગલ સર્ચ એન્જિન પર UPI કસ્ટમર કેર નંબર સર્ચ કર્યો હતો. ત્યાંથી મળેલી પ્રથમ લિંક પરના નંબર પર સંપર્ક કરતાં સામેની વ્યક્તિએ પોતે સત્તાવાર પ્રતિનિધિ હોવાની ઓળખ આપી નાણાં ત્વરિત રિફંડ કરવાની ખાતરી આપી હતી. પ્રાથમિક વાતચીતમાં શંકા જતાં તેમણે કોલ કાપી નાખ્યો હતો, પરંતુ થોડી જ વારમાં ઠગોએ વોટ્સએપ કોલ કરીને રિફંડ પ્રક્રિયા ચાલુ હોવાનું કહી તેમને વિશ્વાસમાં લીધા હતા.
ત્યારબાદ સાયબર ઠગોએ નિવૃત્ત અધિકારીને ફોનપે એપ ઓપન કરી એક ચોક્કસ UPI ID દાખલ કરીને આગળની પ્રક્રિયા અનુસરવા જણાવ્યું હતું. ભળતી લિંક અને આભાસી વાતોમાં આવી ગયેલા અધિકારીએ ઠગોની સૂચના મુજબ મોબાઈલમાં UPI PIN દાખલ કરતાં જ તેમના SBI ખાતામાંથી એકસાથે રૂ. ૮૧,૩૬૦ ઉપડી ગયા હતા. બેંકની YONO એપમાં મેસેજ ચેક કરતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો.
અચાનક ખાતામાંથી નાણાં ગાયબ થઈ જતાં પીડિતે તુરંત બેંક શાખાનો સંપર્ક કર્યો હતો. બેંક અધિકારીઓની સલાહ મુજબ તેમણે રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કૉલ કરીને પોતાની સાથે થયેલી નાણાકીય છેતરપિંડી અંગેની સત્તાવાર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે અજાણ્યા સાયબર ઠગો વિરુદ્ધ ગુનો નોંધીને ટેકનિકલ સેલની મદદથી તપાસ શરૂ કરી છે.
ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધવાની સાથે જ ગૂગલ પર બોગસ કસ્ટમર કેર નંબર મૂકીને લોકોને શિકાર બનાવતી ગેંગ સક્રિય થઈ છે. સાયબર એક્સપર્ટ્સ અને પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ક્યારેય ગૂગલ સર્ચ પરથી મળેલા કસ્ટમર કેર નંબર પર વિશ્વાસ ન કરવો તેમજ કોઈ પણ સંજોગોમાં અજાણી વ્યક્તિ સાથે UPI PIN કે ઓટીપી શેર ન કરવો.
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
