તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 24th June 2026
ભરૂચમાં નકલી એમ્બ્યુલન્સ પકડાઈ : એક જ નંબર પ્લેટની બે અલગ- અલગ ઇકો કાર પર કરીને નકલી એમ્બ્યુલન્સ ચલાવતા યુવકને ઝડપી લેવાયો
માનવતા અને કટોકટીના સમયે ઉપયોગમાં આવતી એમ્બ્યુલન્સ સેવાની આડમાં ચાલી રહેલા આ આર્થિક ફ્રોડની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ

ભરૂચ શહેર 'એ' ડિવિઝન પોલીસ દ્વારા એક અત્યંત ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શહેરમાં વધુ કમાણી કરવાની લાલચે એક જ કોમર્શિયલ નંબર પ્લેટનો ઉપયોગ બે અલગ-અલગ ઇકો કાર પર કરીને નકલી એમ્બ્યુલન્સ ચલાવતા એક યુવકને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. માનવતા અને કટોકટીના સમયે ઉપયોગમાં આવતી એમ્બ્યુલન્સ સેવાની આડમાં ચાલી રહેલા આ આર્થિક ફ્રોડની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, સિવિલ હોસ્પિટલ સામે ઉભેલી એક ઇકો એમ્બ્યુલન્સમાં ખોટી નંબર પ્લેટ લગાડવામાં આવી છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી, જ્યાં એમ્બ્યુલન્સ પર GJ-16-AV-4482 નંબરની પ્લેટ જોવા મળી હતી. પોલીસે વાહનચાલક મહંમદ તારીક અલ્તાફ પઠાણની અટકાયત કરી તેના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.
પોલીસે જ્યારે વાહનની આર.સી. બુક અને ગાડીના એન્જિન તેમજ ચેસિસ નંબરની ચકાસણી કરી, ત્યારે બંને વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો. પોલીસની કડક પૂછપરછમાં આરોપી મહંમદ તારીકે કબૂલાત કરી હતી કે, તેની મૂળ કોમર્શિયલ એમ્બ્યુલન્સ (GJ-16-AV-4482) હાલ ઝઘડિયા GIDC ની એક કંપનીમાં ભાડે ચાલે છે. જ્યારે વધુ કમાણી કરવા માટે તેણે પોતાની બીજી ખાનગી ઇકો કાર (GJ-16-DP-4196) ને પણ એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી અને તેની પર મૂળ એમ્બ્યુલન્સની જ નંબર પ્લેટ લગાવી દીધી હતી.
એક જ નંબર પ્લેટ પર બે એમ્બ્યુલન્સ દોડાવી સરકાર અને પોલીસની આંખમાં ધૂળ નાખવાના આ ગુનામાં ભરૂચ પોલીસે કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપી મહંમદ તારીક પઠાણની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. આ સાથે જ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી અંદાજિત 3 લાખની કિંમતની ઇકો કારને પણ પોલીસે જપ્ત કરી લીધી છે. આ મામલે આરટીઓના નિયમોના ભંગ અને છેતરપિંડીની કલમો હેઠળ આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
